- ભાટિયાપુરામાં નરાધમનો મહિલા ઉપર બળાત્કાર
આણંદ તાલુકાના સામરખા તાબે આવેલા ભાટિયાપુરામાં ઘરની બહાર અડારામાં સૂઇ રહેલ પરણિતાને ઢસેડી જઇ ગામના જ પરણિત યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ચોંકાવનાર ઘટના બહાર આવતાં નાનકડા ગામમાં ચકચાર મચી છે.
સામરખા તાબે આવેલા ભાટિયાપુરા ગામમાં રહેતા વિજયભાઇ હિંમતભાઇ પરમાર તા. ૧૦-૬-૧૧ના રોજ બપોરના સાડા બાર વાગ્યે પોતાની પડોશમાં રહેતી પરણિતાના ઘર પાસે ગયો હતો. તે વખતે વીસ વર્ષની પરણિતા ઘરની બહાર અડારામાં સૂઇ ગઇ હતી. પરણિત વિજયે તેની પાસે જઇ મોઢું દબાવી તેને બાજુમાં ઢસેડી જઇ પરણિતાની મરજી વિરૂધ્ધ તેની ઉપર શારીરીક અત્યાચાર ગુજાર્યો હતો. બાદમાં પરણિતાને મારી નાખવાની ધમકી આપી તે પલાયન થઇ ગયો હતો.
આ બાબતે પરણિતાએ પોતાના પતિ સહિત પરિવારને જાણ કરી હતી. આ અંગે સોમવારે પરણિતાએ આણંદ રૂરલ પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વિજયભાઇ પરમાર સામે બળાત્કારનો ગુનો નોંધ્યો છે. પીએસઆઇ વી.પી.ડાભીના જણાવ્યાં મુજબ બળાત્કારનો ભોગ બનનાર ભાટિયાપુરાની પરણિતાને સોમવારે બપોરે મેડિકલ ચકાસણી માટે કરમસદ મેડિકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.