સીએનએનએ ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસ સાથેનો કરાર પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી છે. સીએનએનના પ્રવક્તા નાઈઝલ પ્રિટકાર્ડે દાવો કર્યો છે કે એપી તરફથી રાખવામાં આવેલી શરતો તેમના બિઝનેસ મોડલને અનુકૂળ ન હતી. તેમણે કરાર તોડવા માટે બીજા કોઈ કારણનો ઉલ્લેખ કર્યો નથી.
એસોસિએટેડ પ્રેસે પણ કરાર તોડવા સંબંધી કોઈ કારણ આપ્યું નથી. પરંતુ એટલુ જણાવ્યું હતું કે સીએનએનના દર્શકોને હવે એસોસિએટેડ પ્રેસ તરફથી મળતા બ્રેકિંગ ન્યૂઝ અને દુનિયાભરના સમાચાર મળી શકશે નહી.
સીએનએનના પ્રેસિડેન્ટ જીમ વોલ્ટને આ કરાર સમાપ્ત થવા પર ગર્વની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એપી સાથે કરાર સમાપ્ત થવાથી હવે સીએનએનના સમાચાર અને કન્ટેન્ટ વધુ દમદાર રહેશે.
એપીના પ્રવક્તા પોલ કોલફોર્ડે સીએનએન સાથે સંબંધ તૂટવા પર વસવસો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ન્યૂઝ ઈન્ડસ્ટ્રીઝમાં એક મજબૂત સંગઠન તરીકે ઉભરવા અને દર્શકોની સંખ્યામાં વધારો કરવા માટે સીએનએનને એપીના સાથની જરૂર હતી.