હસ્તકલાથી લઇને સ્થાપત્યો સુધીની સફર આપને અહીં ખેડવા મળશે.
કચ્છનું સંગ્રહાલય ગુજરાતના સૌથી જૂના સંગ્રહાલયોમાંનું એક છે. પુરાવાઓના આધારે સંગ્રહાલયની સ્થાપના ઈ.સ.1877માં મહારાવ ખેંગરાજીએ કરી હતી.ઇટાલિયન શૈલીમાં બંધાયેલા આ સંગ્રહાલયમાં લુપ્ત થયેલી કચ્છી લિપિના હજારો વર્ષ જૂના નમૂનાઓ જોવા મળે છે. સાથે જ ઇસવીસન પૂર્વે પહેલી સદીના ક્ષત્રપ અભિલેખોનો સંગ્રહ પણ તમે અહીં નીહાળી શકો છો.
હસ્તકલાથી લઇને સ્થાપત્યો સુધીની સફર આપને અહીં ખેડવા મળશે. એકતરફ સંગ્રહાલયમાં જ્યાં આદિવાસી સંસ્કૃતિના દર્શન થાય છે ત્યાં બીજી બાજુ પ્રાચીન હસ્તકલાના નમૂનાઓની કલાકારીગરી જોનારની આંખો પહોળી કરી દે તેવી છે. સંગ્રહાલયમાંથી આપને આદિવાસીઓની વિવિધ જાતિઓ વિશેની માહિતી પણ મળી શકે છે. તો વળી કચ્છના સ્થાનિક ચલણ કોરી સહિતના અનેક સિક્કાઓનો સંગ્રહ પણ આપ અહીં જોઇ શકશો.
સંગ્રહાલયમાં સંગીતના સાધનો, સ્થાપત્ય, ભરત ગૂંથણ, ચિત્રકામ, શસ્ત્રો, અને કિંમતી ધાતુકામના પ્રદર્શનો પણ જોવા મળે છે. આ ઉપરાંત કચ્છ જિલ્લાની મુલાકાત અહીંના સ્થાનિકો વિશેની માહિતી મેળવવામાં મદદરુપ થઇ શકે છે. અલબત ભૂકંપમાં આ સંગ્રહાલય ધરાશાયી થઇ ગયું હોવાથી તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.