પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓનું વર્ચસ્વ ઓછું થવાનું નામ લેતું નથી. પૂર પીડિતોના નામે કટ્ટરવાદીઓ લોકો પાસેથી મોટી વસૂલી કરી રહ્યા છે. મુંબઈ હુમલા માટે જવાબદાર આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાએ પૂર પીડિતોના નામે રાહત સામગ્રી એકઠી કરવા માટે પંજાબ વિસ્તારમાં વ્યવસ્થિત નેટવર્ક ગોઠવ્યું છે.
પાકિસ્તાનની સરકાર જ્યારે એવું કહી રહી છે કે તે કટ્ટરવાદી-આતંકી સંગઠનોને પોતાની પ્રવૃતિ ચલાવવાની પરવાનગી આપશે નહીં ત્યારે આતંકવાદીઓ પોતાની ફોજમાં પૂર પીડિતોની ભરતી કરી રહ્યા છે અને પોતાને સંગઠનને વધારે મજબૂત બનાવી રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર પરિષદે જમાત-ઉદ-દાવાને લશ્કર-એ-તોઈબાનું જ એક સ્વરૂપ ગણાવ્યું છે. આમ છતાં જમાત ઉદ દાવા પંજાબ વિસ્તારમાં સૌથી મોટા સ્વયંમસેવક સંગઠન તરીક ઉભરી આવ્યું છે. જમાતે રાહત સામગ્રી તેમજ રોકડ રકમ એકઠી કરવા માટે લાહોરમાં જ 67 શિબિરો શરૂ કરી છે.
જો કે 2008માં મુંબઈ હુમલા બાદ સુરક્ષા પરિષદ દ્વારા જમાત પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકારે પણ તેના પર અમલ કર્યો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારની નબળાઈનો ફાયદો ઉઠાવતા જમાતે પૂર પીડિતોની મદદ કરીને લોકોની સહાનુભૂતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
જમાતે એવો દાવો કર્યો છે કે તેણે સેંકડો ટ્રક રાહત સામગ્રી પૂર ગ્રસ્ત વિસ્તારોમાં મોકલી છે. પૂરગ્રસ્ત વિસ્તારને જમાતનો ગઢ ગણવામાં આવી રહ્યો છે. જો કે પાકિસ્તાનના સુરક્ષા અધિકારીઓને એવો ડર છે કે રાહત કાર્યના બહાના હેઠળ જમાત પોતાના સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે.