ગુજરાતમાં આ પાકને ખેતી હેઠળ લાવવાની પુરી શક્યતાઓ છે. જેના કારણો આ મુજબ છે.(૧) દેશી કરિયાતાની ખેતી પદ્ધતિ સરળ છે (૨) ખેતી ખર્ચ ખૂબ જ ઓછું છે.(૩) પાણી ખૂબ જ ઓછી જરૂરીયાત પડે છે.(૪) રોગ કે જીવાત બહુ થતા નથી.(૫) ઉત્પાદન અને ભાવની રીતે સારૂ વળતર મળી શકે તેમ છે.
છોડનો પરિચય : વિપુલ જથ્થામાં સુક્ષ્મ તત્વો (મિનરલ્સ) કરિયાતાનો છોડ મરચીના છોડ જેવો દેખાય છે. છોડની ઉચાઇ ૭૦ થી ૮૦ સે.મી. જેટલી હોય છે. તેનું મુળ તંતુમય છે. પાન લંબાઇ પડતા હોય છે. ફુલ નાના અને સફેદ રંગના હોય છે. છોડ પર ઘણી બધી લીલી નાની શીંગો બેસે છે. જેમાં નાના-નાના બી હોય છે.
આબોહવા અને જમીન : છોડના સારા વિકાસ માટે ગરમ અને ભેજવાળું વાતાવરણ માફક આવે છે. પુરતા વરસાદથી છોડનો વિકાસ સારો થાય છે. ઠંડા વાતાવરણમાં છોડનો વિકાસ થતો નથી અને વળી ફુલ પણ અટકી જાયછે. સામાન્ય રીતે આ છોડ કોઇ પણ પ્રકારની જમીનમાંથઇ શકે છે. પરંતુ પાણી ભરાઇ રહેતું હોય તેવી જમીનમાં છોડ ઉછેરી શકતા નથી. રેતાળ, ગોરાડું તેમજ વધુ સેન્દ્રિય તત્વોવાળી જમીન છોડને વધુ માફક આવે છે.
ઘરુ ઉછેર : કરિયાતાનાં બીજ ખૂબ જ નાનાં (૧ ગ્રામમાં આશરે ૧૦૦૦ બી) હોવાથી ઘરુવાડિયા માટે જમીન ખુબ જ સારી રીતે તૈયાર કરવી જરૂરી છે. હળ અથવા કરબની બે ત્રણ ખેડ કરી સમાન મારી જમીન બરાબર સમતલ કરવી જોઇએ. એક હેક્ટરની ફેર રોપણી કરવા માટે આશરે ૧૫૦ થી ૨૦૦ ગ્રામ બિયારણની જરૂર પડે છે. જુન માસના બીજા પખવાડીયામાં ઘરુ નાખવું જોઇએ. કરિયાતાના છોડ પરથી નાની શીંગો છોડ પર જ ફાટવાના લીધે બી જમીન પર વેરાય છે. પરીણામે બીજા વર્ષે ત્યાં અસંખ્ય છોડ ઉગી નીકળે છે.
ફેર રોપણી : જુલાઇ માસના બીજા અઠવાડિયામાં રોપણી કરી દેવી જોઇએ. પ્રાથમિક અભ્યાસથી એવું માલુમ પડયું છે કે મોડી રોપણીથી ઉત્પાદન ઘટે છે.
ખાતર : કરિયાતાના આખા છોડ (એટલે કે પંચાંગ-મુળ, થડ, પાન,ફળ અને ફુલ)નો ઉપયોગ થાય છે. જેથી વાનસ્પતિક વૃદ્ધિ જેટલી વધુ થાય તેટલું વધુ ઉત્પાદન મળે છે.રોપણી પહેલાં હેક્ટર દીઠ ૩૦ કિ.ગ્રા.નાઇટ્રોજન અને ૩૦ કિ.ગ્રા.ફોસ્ફરસ જમીનમાં આપવો જોઇએ. હેક્ટર દીઠ ૩૦ કિ.ગ્રા.નાઇટ્રોજન એક માસ પછી આપવો. જો બે કાપણી લેવાની હોય તો પ્રથમ કાપણી પછી ૬૦ કિ.ગ્રા.નાઇટ્રોજન બે હપ્તામાં એક એક માસના ગાળે આપવો જોઇએ.
વાવણી અંતર : કરીયાતાના છોડ માટે ૩૦ સે.મી. અંતર વધુ અનુકુળ આવે તેમ જણાય છે. તેમ છતાં જમીનની ફળદ્રુપતા, પાણીની સગવડતા વગેરે જોઇ અંતરમાં ફેરફાર કરી શકાય.
પિયત : સામાન્ય રીતે આ પાક ચોમાસામાં થતો હોવાથી પાણી આપવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ અપુરતો વરસાદ હોય તો ૨ થી ૩ પાણી પુરતા છે. જો બીજી કાપણી લેવાની ઇરછા હોય તો કુલ ૫ થી ૬ પાણીની જરૂરિયાત રહે છે. ગરમી પડવાની શરૂઆત થાય ત્યારે દર પંદર દિવસે પાણી આપવું.
પાક સંરક્ષણ : આ પાકમાં કોઇ રોગ જણાતો નથી. પરંતુ શીંગો અને પાન કોરી ખાનાર ઇયળ જોવા મળેતો થિયોન ૫૦ ટકા વાળી ૧૪ મિ.લી. દવા ૧૦ લીટર પાણીમાં દ્વાવણ બનાવી છંટકાવ કરવો. આખો છોડ ઉપયોગમાં લેવાનો હોવાથી જે દવાઓની અસર લાંબો સમય રહેતી હોય તેવી દવાનો કોઇપણ સંજોગોમાં ઉપયોગ કરવો નહીં. મેલાથીઓન દવાની અસર છોડ પર લાંબો સમય રહેતી નથી. તેથી આ દવાનો છંટકાવ કરવો જોઇએ.
નોંધ : છોડ પર ક્રમશ: શીંગો પાકટ થઇ છોડ પર જ ફાટી જાય છે અને બી જમીન પર વેરાઇ જાય છે. તેથી બિયારણ એકઠું કરવાનું કાર્ય અઘરૂં છે. સમયસર (જુલાઇ માસમાં) રોપણી થઇ હોય ત્યારે છોડ પરની શીંગોમાંના મોટા ભાગના બધા જ બી ખરી પડે છે. પરંતુ જો કરીયાતાની રોપણી મોડી (ઓગષ્ટ માસમાં) કરવામાં આવે તો છોડનો વિકાસ બરાબર થતો નથી અને શીંગો જ્યારે તૈયાર થાય ત્યારે પ્રમાણમાં ઘણી ઓછી ફાટે છે. અનુભવના આધારે એમ કહી શકાય કે બિયારણ લેવા માટે થોડાક વિસ્તારમાં રોપણી મોડી કરવી જોઇએ. પુરતા વરસાદથી છોડનો વિકાસ સારો થાય છે ઠંડા વાતાવરણમાં છોડનો વિકાસ થતો નથી
કરિયાતાની બે જાતો છે. એક દેશી કરિયાતુ અથવા પાન કરિયાતુ અને બીજુ નેપાળી કરિયાતુ અથવા ડાંખળીવાળું કરિયાતુ. કરિયાતુ સામાન્ય રીતે સર્વ પ્રકારના જવરમાં ખૂબ જ ઉપયોગી છે. નળ વિકાસ અને પેટના દુ:ખાવામાં અસરકારક છે. આ ઉપરાંત ગરમીના રોગ અને કંપારી પર પણ ઉપયોગી છે. કરિયાતુ સોજો, કમિ, દાહ, શુળ અને અરૂચીનો નાશ કરે છે.