ભરૂચ સિવિલમાં હત્યા થવાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આજે વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે ભરૂચ સિવીલમાં આલેવા ક્વાર્ટર નંબર ઈ-7માં રહી રહેલા સિવીલ સર્જનની તિક્ષ્ય હથિયારના નવ ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. સિવિલ સર્જનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તેની જાણ થઈ નથી.
સુત્રોના જણાવ્યાં અનુસાર જ્યારે હત્યારાઓએ સર્જનના ઘરનો ડોરબેલ વગાડ્યો ત્યારે સિવિલ સર્જને ઘરનો દરવાજો ખોલ્યો અને દરવાજો ખોલતાની સાથે અજાણ્યા શખ્સે તેમને તિક્ષ્ણ હથિયારથી નવ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. સિવિલ સર્જને બુમો પાડી હતી જેના કારણે આજુબાજુના લોકો સાંભળી ગયા હતાં. પરંતુ હત્યારાઓએ આજુબાજુના ઘરના દરવાજા પણ બહારથી બંધ કરી દીધાં હતાં. તે દરમિયાન આજુબાજુના લોકોએ સિવિલમાં ફોન કર્યો અને જમાદારને જાણ કરી કે સિવિલ સર્જનના ઘરમાં બુમા બુમ થઈ રહી છે. ત્યારે જમાદાર દોડીને આવ્યાં હતાં અને આજુબાજુ રહેતાં લોકોના દરવાજા ખોલ્યાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર સિવિલ સર્જનનું ઘર ખોલ્યું ત્યારે ખબર પડી કે સિવિલ સર્જનની નવ ઘા મારી હત્યા કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યાં અનુસાર હત્યારાઓએ આજુબાજુના ઘરના દરવાજા સહિત સ્ટ્રીટ લાઈટો પણ બંધ કરી દીધી હતી.
આ અંગે પોલીસ ગુન્હો નોંધી વધુ તપાસ હાથઘરી છે.