અજબ અડાજણથી લઇને વરાછા સુધીના વિસ્તારો ઉપરાંત પાલ અને કેટલીક અન્ય જગ્યાઓમાં વહેલી સવારે...
મંગળવારે વહેલી સવારે અને દિવસ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાં ‘કાળો વરસાદ’ વરસ્યો હોવાનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. લોકોએ વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે જે સાધનો મૂક્યાં હતાં તેમાં સાફ પાણીની જગ્યાએ કાળું પાણી દેખાતાં તેઓ ગભરાયા હતા.
નિષ્ણાતો કહે છે કે ભારે પ્રદૂષણને કારણે કાળો વરસાદ થવો સંપૂર્ણ રીતે શક્ય છે. જ્યારે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અધિકારીઓએ આખી ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.
જીપીસીબીના રિજનલ ઓફિસર અનિલ પટેલને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે કાળા વરસાદની કોઈ માહિતી તેમના સુધી પહોંચી નથી. જો કોઈ જાણકારી આવશે તો જરૂર પડે ચકાસણી કરાવશે.
મગદલ્લા Live
મંગળવારે લગભગ ૧૧થી ૧૨ વાગ્યાના અરસામાં મગદલ્લા ગામના ખેડૂત ગિરીશ પટેલની નજર વરસાદનું પાણી સંગ્રહ કરવા માટે તેમના ફ્લેટની બહાર મૂકેલી ડોલમાં ગઇ તો આશ્ચર્ય થયું હતું. કારણ કે ડોલનું પાણી કાળું હતું. તેમને વિશ્વાસ ન થતાં બીજા ફ્લેટવાલાને પૂછતાં તેમને પણ આવો જ અનુભવ થયો હતો. તે પછી તો ગિરીશભાઇએ આખા ગામમાં તપાસ કરી અને ઘણા લોકોએ કાળા પાણીની વાત કરી હતી. તેમણે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું, ‘મારી મા ૮૦ વર્ષની છે, તેમણે પણ ક્યારેય આવો વરસાદ જોયો નથી. આવું કેમ બન્યું તેનો જવાબ અમારી પાસે પણ નથી.’
અડાજણ Live
આનંદમહેલ રોડ યોગીકૃપા સોસાયટીમાં રહેતા એન્જિનિયર વિક્રમ મહારાણાના બંગલાની બહાર વરસાદી પાણીની ડોલનું પાણી કાળું દેખાતું હતું. વિક્રમે ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું, ‘અમે ગેસની દુર્ગધનો સામનો તો સતત કરીએ જ છીએ હવે આ કાળા વરસાદની ઓર એક ઉપાધિ આવી, એટલે અમને ડર લાગે છે.’
વરાછા Live
પેડર રોડ મોટા વરાછા ખાતે માજી કોર્પોરેટર હીરાભાઇ દોંગાએ પણ કહ્યું હતું કે તેમના વિસ્તારના મોમાઇ રો હાઉસ ઉપરાંત સનસિટી રો હાઉસના રહીશોએ પણ પાણીની ડોલમાં કાળું વરસાદી પાણી મળ્યું હોવાની વાત કરી હતી. હીરાભાઇના જણાવ્યા મુજબ તેમને પણ પહેલાં તો વિશ્વાસ થયો ન હતો પરંતુ અન્ય સોસાયટીઓમાં તપાસ કર્યા પછી આવું ચોક્કસ થયું હતું.
ટેસ્ટ કહે છે, પાણી એસિડિકકાળા વરસાદના પાણીનો લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતાં પ્રાથમિક તારણ એવું મળ્યું હતું કે તેનું પીએચ (પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આયન્સ) મૂલ્ય ૬.૪ છે. આ પીએચ જો ૭ કરતાં ઓછું હોય તો તે પ્રવાહી એસિડ બને છે. આમ આ પાણી થોડુંક એસિડિક હોવાની જાણકારી મળી છે.
યુનિવર્સિટીના એકવેટિક બાયોલોજી વિભાગના વડા ડૉ. મોહિની ગિઢયાએ કહ્યું હતું કે જો કોઈ પાણીનું પીએચ મૂલ્ય ૭ કરતાં ઓછું હોય તો તે એસિડ કહેવાય. વરસાદના પાણીનો જે કાળો કલર છે તે તેમાં કાર્બનની માત્રા જણાવે છે.
એના માટે વધતું પ્રદૂષણ જવાબદાર?
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ઓગસ્ટ ૨૦૧૦માં જ લોકસભામાં જવાબ આપતાં કહ્યું હતું કે દેશનાં ૯૦ જેટલાં શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ નક્કી કરેલાં ધોરણો કરતાં વધુ છે તેમાં ગુજરાતના સુરત, અમદાવાદ વડોદરાનો પણ સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૯માં આરએસપીએમની રાષ્ટ્રીય સરેરાશ ૬૦ માઇક્રોગ્રામ પર ક્યુબિક મીટર હતી જેની સામે સુરતમાં તે ૯૧, અમદાવાદમાં ૯૫ અને વડોદરામાં ૮૬ જોવા મળી હતી. ઉપરાંત નાઇટ્રોજન ડાયોક્સાઇડની માત્રા પણ વધુ હોવાની જાણકારી તેમણે આપી હતી.
... કે દરિયામાં ઢોળાયેલું ઓઇલ?
હાલમાં જ મુંબઈ નજીક દરિયામાં મોટા પ્રમાણમાં ઓઇલ ઢોળાયું હતું જે છેક દક્ષિણ ગુજરાતના દરિયા સુધી પહોંચ્યું હતું. ભૂતકાળમાં ગલ્ફ વોર વખતે જ્યારે કુવૈતના પેટ્રોલના કૂવાઓમાં આગ લગાડી દેવાઈ હતી ત્યારે ટર્કીના અદાના શહેરમાં ૧૯૯૧માં કાળો વરસાદ થયો હતો. તેનું કારણ પેટ્રોલના ધુમાડા અને રાખ હોવાનું જણાવાયું હતું.
જોકે, આ અંગે કોઇ ચોક્કસ તારણો પર આવી શકાયું નથી. આમ કાળો વરસાદ થવા પાછળ મૂળ કારણ હવામાં કાર્બન, સલ્ફર અને નાઇટ્રોજનના ઓકસાઇડ્સનું મોટું પ્રમાણ હોઈ શકે છે પરંતુ તે ક્યાંથી આવે છે તે શોધવું જરૂરી છે.
જાણો પર્યાવરણશાસ્ત્રી પાસેથી..
પર્યાવરણશાસ્ત્રી ડૉ. જયેશ નાયકે જણાવ્યું હતું કે હાલનું જે હવામાન છે તેમાં કાળા વરસાદની પૂરેપૂરી શક્યતા છે. હાલ ભેજનું વધુ પ્રમાણ છે અને સાથે ઉકળાટની જગ્યાએ ઠંડક છે.
આ પરિસ્થિતિમાં ઉદ્યોગો, વાહનો અને અન્ય રીતે થતા પ્રદૂષણના જે કણો હવામાં ફેલાય છે તે વાતાવરણનાં ઉપરનાં સ્તરોમાં ન જઇ શકતાં નીચેનાં સ્તરોમાં જ જકડાઇ રહે છે. આ સૂક્ષ્મ કણો વરસાદની સાથે જમીન પર આવે છે. આવું અમુક જ વિસ્તારોમાં કેમ? એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે જો એક જ જગ્યાએ પ્રદૂષણનો પટ્ટો સર્જાય તો તે વિસ્તારમાં જ કાળો વરસાદ થઇ શકે.