મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યદેવ વિના અધારાં વિધર્મી આક્રમણકારોનો ભોગ બનેલા મંદિરમાં મૂર્તિના અભાવે સેવાપૂજા થતી નથી
મોઢેરાનું સુપ્રસિદ્ધ સૂર્યમંદિર આક્રમણકારોનો ભોગ બનતાં છેલ્લા કેટલાય દાયકાઓથી અહીં અંધારાં પથરાયાં છે. નૃત્ય કાર્યક્રમો તથા કલા કોતરણીને લીધે પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા આ સૂર્યમંદિરનો ધાર્મિક દબદબો પણ પુન: સ્થાપિત થાય એવી લોકમાંગ ઉઠી છે.
સંવત ૧૦૮૩માં સોલંકી રાજવી ભીમદેવ દ્વારા સ્થાપિત કરાયેલ સૂર્યમંદિર કલા કોતરણીની સાથે ધાર્મિક રીતે પણ મહત્વ ધરાવતું હતું. પરંતુ કાળક્રમે વિધર્મી આક્રમણકારોનો ભોગ બનતાં મંદિર ખંડિત થયું હતું. જોકે દેશ આઝાદ થયા બાદ સમયાંતરે પુરાતત્વ વિભાગ દ્વારા સૂર્યમંદિરનો જીર્ણોધ્ધાર કરાયો છે, પરંતુ હજી સુધી આ મંદિરમાં દેવ સ્થાપન થઇ શક્યું નથી.
સૂર્યનારાયણના પવિત્ર મંદિરમાં અંધકાર દૂર કરી દીપ જલાવવા લોકમાંગ ઉઠી છે. સૂર્યમંદિરમાં પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને સેવા પૂજા ચાલુ કરવામાં આવે એ હેતુસર મુખ્યમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતને રજૂઆત કરાઇ છે.
મૂર્તિ વડનગરમાં છે !
પુરાતત્વવિદ્ અને લેખક રાજેન્દ્રભાઇ રાવળ કહે છે કે, આક્રમણકારોનો ભોગ બનતાં સૂર્યમંદિરની કીર્તિ ખંડિત થઇ હતી. પરંતુ એવું કહેવાય છે કે, હાલમાં વડનગર ખાતે સૂર્ય ભગવાનની જે મૂર્તિ છે એ સૂર્યમંદિરની છે. જો મંદિરમાં ફરીથી મૂર્તિ સ્થાપન કરાય તો ફરી એકવાર મંદિરનો મોભો યથાવત બને એમ છે.
સેવા પૂજા બંધ છે
મોઢેરા ગ્રામ પંચાયતના માજી સદસ્ય ફતાજી જાડેજા જણાવે છે કે, સૂર્યમંદિરમાં આજે સેવા પૂજા પણ થતી નથી. પ્રાંગણમાં આવેલા મહાદેવજીના મંદિરમાં જ પૂજા કરાય છે. સૂર્યમંદિર પણ દીપથી ઝળહળે એવા પ્રયાસો કરવા જોઇએ.
તો આનંદનાં અજવાળાં થશે
મોઢેરાના સરપંચ બટુકસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જો મંદિરની પુન: પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે તો મંદિરની સાથે ગામમાં પણ આનંદનાં અજવાળાં પથરાશે અને ફરી એકવાર મંદિરની પ્રતિષ્ઠા ચોમેર પ્રસરી ઉઠશે.
સૂર્યમંદિરમાં અંધારા ના શોભે !
સૂર્યમંદિરમાં પથરાયેલા અંધારા અંગે દુ:ખ વ્યક્ત કરતાં ગામના અગ્રણી પટેલ નારણભાઇ મણીલાલ કહે છે કે, દેશમાં ખ્યાતિપ્રાપ્ત મંદિર દાયકાઓથી અંધારિયા ખંડેર જેવું છે. સ્વયં પ્રકાશના દેવ એવા સૂર્ય ભગવાનના મંદિરમાં અંધારા ક્યારેય ના હોવા જોઇએ. મંદિરમાં દેવ સ્થાપન સાથે દરરોજ સેવા પૂજા થાય એ જરૂરી છે.