યાત્રાધામ અંબાજીમાં મંગળવારે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેના પગલે વેપારીઓમાં અફડા-તફડી મચી ગઇ હતી.
યાત્રાધામ અંબાજીમાં મંગળવારે દાંતા મામલતદાર જે.પી.અસારી, પાલનપુર પ્રાંત અધિકારી બી.એમ.વિરાણી દાંતા તાલુકા વિકાસ અધિકારી આર.ડી.બારોટ, ડી.વાય.એસ.પી. એલ.કે.પ્રણામી સહિત અંબાજી પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ મુખ્ય માર્ગ ઉપરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેના પગલે વેપારીઓમાં ભારે ભાગદોડ અને ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. આ અંગે એક વેપારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે ‘અંબાજીમાં વર્ષોથી ઘર કરી ગયેલા મોટામાથા આગળ તંત્રનું કઇ ચાલતુ નથી. માત્ર નાના વેપારીઓનેજ પરેશાન કરવામાં આવે છે.
આ અંગે અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ ભેમાજી ઠાકોરે જણાવ્યું હતું કે,‘દબાણ દૂર કરવાની બાબતે ચાર દિવસ અગાઉ જાહેર નોટિસ દ્વારા વેપારીઓને જાણ કરવામાં આવી હતી.’