એરવાઇટ કંપનીએ ૫૦ મહિલા- પુરુષોને નોકરી રાખી વોશિંગ પાઉડર વેચવાની કામગીરી કરાવ્યા પછી વેતન ચુકવવાની વાત આવતાં સંચાલકો ઓફિસ બંધ કરી પલાયન થઈ ગયા
ઇડર તાલુકાના ૫૦થી વધુ મહિલા પુરુષો સાથે એક ખાનગી કંપનીએ ઠગાઇ કરી તેમનો પગાર ચાઉ કરતાં હોબાળો મચી ગયો હતો.જ્યારે એક કર્મચારીની ધોલાઈ કરતાં મામલો ગરમાયો હતો. આ અંગે પોલીસે યોગ્ય સહયોગ ન આપ્યો હોવાનો આક્ષેપ સાથે બેકારોએ શુક્રવારે મામલતદારને રજૂઆત કરી ન્યાય અપાવવાની માગણી કરી હતી.
ઇડર તાલુકાના શિક્ષિત બેકારોને નોકરી આપવાના બહાને ૫૦થી વધુ યુવક-યુવતીઓને થોડા સમય અગાઉ એરવાઇટ કંપની દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ આ શિક્ષિત યુવક-યુવતીઓને વોશીંગ પાવડર વેચવાનું કામ સોંપવામાં આવ્યું હતું.જોકે તેમને વેતન ચુકવવાનું થયું ત્યારે કંપનીની ઓફિસમાં ૫૦થી વધુ શિક્ષિત બેકારોએ હલ્લો બોલાવ્યો હતો. જેના કારણે કંપનીના કર્મચારીઓ ઓફિસ બંધ કરીને પલાયન થઇ ગયા હતા.
ત્યારબાદ આ અંગે કંપનીમાં નોકરી કરતા બરવાવના વનિતાબેન રાજુભાઇ ચૌધરી, એસ.પી. રાવલ, વિષ્નાબેન પુનાજી સહિતના શિક્ષિત બેકારોએ પીઆઇને મળી જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ઘટતી કાર્યવાહી કરી વેતન અપાવવાની હૈયાધારણ આપી હતી. બીજી તરફ એકાએક શુક્રવારે ઓફિસ ખુલતા બેકારોએ પોલીસને વિનંતી કરી મદદ કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસે એકાએક વર્તન બદલીને એવું જણાવ્યું હતું કે અમે તમારો ઠેકો લીધો નથી. જેથી શિક્ષિત બેકારો ડઘાઇ ગયા હતા. ત્યારબાદ ૫૦થી વધુ લોકો મામલતદાર એ.ડી. ગોસ્વામીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. જે અંગે મામલતદારે સહકાર આપવાની ખાત્રી આપી હતી.
કંપનીના કર્મચારીની ધુલાઇ કરાઇ
ઇએર વ્હાઇટ કંપનીમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રોનક નાયક નામના કર્મચારીની કેટલીક શિક્ષિત મહિલાઓએ શુક્રવારે ધોલાઇ કરી હતી. આ કર્મચારીએ અગાઉ પગાર લાવી આપવાની ખાત્રી આપી હતી. પરંતુ તે પૂર્ણ ન થતાં કર્મચારીને મેથીપાક ચાખવો પડયો હતો.
અસલ દસ્તાવેજો કંપની પાસે
જે ઉમેદવારોએ નોકરી લીધી ત્યારે તેમની પાસેથી શૈક્ષણિક લાયકાતના અસલ દસ્તાવેજો કંપની દ્વારા લેવામાં આવ્યા હતા. પરંતુ તે પરત ન મળતા કંપનીના ડાયરેકટર ગણપતભાઇ રાઠોડ તેમજ અશોકભાઇ પ્રજાપતિને રજૂઆત પણ કરાઇ હતી. છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી.
શક્ય તેટલો સહકાર અપાશે :મામલતદાર
કંપની દ્વારા ઇડર તાલુકાના ૫૦થી વધુ શિક્ષિત બેકારો સાથે કરાયેલી ઠગાઇ અંગે રજૂઆત કરાયા બાદ મામલતદાર એ.ડી. ગોસ્વામીએ જણાવ્યું હતું કે શિક્ષિત બેકારોને શક્ય તેટલો સહકાર આપવામાં આવશે.