મીરાંના ટેકરાવાળી જગ્યાનો ઉપયોગ વર્ષોથી મુસ્લિમ સમાજ દફનવિધિ માટે કરતો હોઇ પાલિકાના સત્તાધિશો પુન: વિચાર કરે
વિજાપુરમાં મીરાંના ટેકરાવાળાના નામથી પ્રચલિત મુસ્લિમ સમાજનાં કબ્રસ્તાનની જગ્યામાં આર એન્ડ બી વિભાગ દ્વારા નગરપાલિકાના નવીન મકાનના બાંધકામ અંગે હિલચાલ કરાતાં મુસ્લિમ સમાજમાં નારાજગીનો સૂર ઊભો થયો છે.
પ્રાપ્તવિગતો અનુસાર છેલ્લા કેટલાક દાયકાથી મુસ્લિમ સમાજનાં લોકો આ કબ્રસ્તાનમાં મૃતકની દફનવિધિ કરતાં આવ્યાં છે. આ જગ્યા સરકાર દ્વારા જે તે સમયે ફાળવાયેલી છે. હાલમાં આ સ્થળે કેટલીક કબરો પણ છે. તેમ છતાં સરકાર દ્વારા આ જગ્યા ઉપર પાલિકાનું નવિન મકાન બનાવવા હિલચાલ શરૂ કરાઇ છે. આ અંગે મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદે જણાવ્યું હતું કે, કબ્રસ્તાનની આ મિલકત ઉપર સરકારના કબજો કરવાના આ પ્રયાસનો અમો વિરોધ કરીશું.
વર્ષોથી મુસ્લિમ સમાજનાં મૃતકોની અહીં દફનવિધિ કરાય છે. અહીં પાલિકાનું મકાન બનાવવાનો મુદ્દો ઉભો કરીને ખોટો વિવાદ ઉપસ્થિત કરાયો છે. નગરપાલિકાના સદસ્ય અસ્પાકઅલીના જણાવ્યા મુજબ, પાલિકાનું મકાન બનાવવા જ્યારે ઠરાવ કરાયો ત્યારે જગ્યાના મુદ્દે અમોએ વિરોધ દર્શાવ્યો હતો અને પાલિકાના ચીફ ઓફિસર એચ.પી. પાઠક તેમજ આર એન્ડ બી વિભાગને પણ પાલિકાનાં મકાન માટે નગરજનોને બધી રીતે સવલતરૂપ જગ્યાઓ બતાવવામાં આવી છે. જે ખરી રીતે પાર્કિંગ તેમજ અન્ય રીતે પણ અનુકૂળ છે. તેમ છતાં ખોટો વિવાદ ઉભો કરાયો છે. કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે ધ્યાને લઇ પાલિકાના સત્તાધિશો આ બાબતે પુન: વિચાર કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે.