- રાજ્ય કક્ષાની ગુજરાત ક્વિઝ કુમારોની સ્પર્ધામાં ધધાણા પ્રા. શાળાનો પંકજ પ્રજાપતિ પ્રથમ નંબરે
સમી તાલુકાના ધધાણા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની ઓનલાઇન ગુજરાત કવીઝમાં કુમારોમાં રાજ્યમાં પ્રથમ નંબર મેળવી સિદ્ધિ હાંસલ કરી છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીનું સન્માન કરીને R એક લાખનું પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે મંગળવારે યોજાયેલી રાજ્યકક્ષાની ગુજરાત કવીઝ સ્પર્ધામાં મધ્યમ વર્ગીય પરીવારના ધધાણા ગામની પ્રાથમિક શાળામાં ધો.૭માં અભ્યાસ કરતાં પંકજકુમાર બબાભાઇ પ્રજાપતિએ ઝંપલાવ્યુ હતું. આ વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની ગુજરાત કવીઝ સ્પર્ધામાં ગુજરાત રાજ્યને લગતાં સામાન્ય જ્ઞાનના ઓનલાઇન જવાબો આપીને કુમારોમાં રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવીને પાટણ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
બાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથેની પ્રશ્નોત્તરીમાં પણ પાર ઉતર્યો હતો. સાંજે મુખ્યમંત્રીએ તેનું સન્માન કરીને R એક લાખનું પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું તેવું ઇન્ચાર્જ નાયબ ડીપીઓ હરખાભાઇ નાડોદાએ જણાવ્યું હતું.