વિજાપુરમાં મોટાપાયે વિદેશી દારૂ આવતો હોવાની બાતમીને આધારે પોલીસે લાડોલ-રણશીપુર રોડ ઉપર ચેકિંગ હાથ ધરતાં ૧૮૦ બોટલ વિદેશી દારૂ ભરેલ મારૂતી ઝેન સાથે બે શખ્સો ઝડપાઇ આવ્યા હતા. પોલીસે વિદેશી દારૂ, મારૂતી ઝેન સહિત ૨,૮૪,૯૭૦નો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વિજાપુર પી.આઇ.ને શહેરમાં મોટાપાયે લાડોલ-રણશીપુર રોડ થઇ વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પી.આઇ. આર.એસ.પટેલ, પી.એસ.આઇ. પી.બી.ચૌહાણ સહિતના સ્ટાફે લાડોલ-રણશીપુર રોડ ઉપર આવતા-જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં સામેથી આવતી મારૂતી ઝેન ગાડી નં. જી.જે.૧૩.એન.૧૪૪૮ શંકાસ્પદ લાગતાં તેને રોકી તપાસ હાથ ધરી હતી જ્યાં ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડનો ૧૮૦ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાઇ આવ્યા હતા.
પોલીસે બંન્ને શખ્સોની પૂછપરછ કરતાં તેમનું નામ ઠાકોર પરેશજી અરજણજી અને ઠાકોર વનરાજજી કાન્તીજી રહે. બંન્ને લાડોલ હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂ, મારૂતી ઝેન, મોબાઇલ તેમજ ૧૧,૧૭૦ રોકડ મળી ૨,૮૪,૯૭૦નો મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી બંન્ને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ વિજાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગેરિતા, કુકરવાડા, વસાઇ, ડાભલા સહિતના ગામોમાં વિદેશી દારૂનું ખુલ્લામાં વિતરણ થવાની નાગરિકોમાં રાવ ઉઠી છે.