ધાનેરા તાલુકાના છીડીવાડી ગામની સગીરાએ ઠુમરની મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી ઠુમર અને વિઠોદર ગામે લઇ જઇ બે યુવકોએ હવસ સંતોષી
ધાનેરા તાલુકાના છીડીવાડી ગામની એક કિશોરીને ગાડીમાં લઇ જઇ બે શખ્સોએ બળાત્કાર ગુજારાયો હોવાની ફરિયાદ ધાનેરા પોલીસ મથકે નોંધાતાં ચકચાર મચી ગઇ છે. કિશોરીને ગાડીમાં બેઠેલી એક યુવતીએ ‘તને ગામમાં ઉતારી દઉ’ તેમ કહી અંદર બેસાડી હતી. ત્યાર બાદ બે યુવકોએ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.
છીડીવાડી ગામની ૧૪ વર્ષિય કિશોરી ૩૦ જાન્યુઆરીના રોજ સાંજના સુમારે સીમમાંથી ઘર તરફ આવી રહી હતી, ત્યારે એક ગાડી તેની બાજુમાં આવી ઉભી રહી હતી. જેમાં બેઠેલી નયનાબેન નાઇએ કિશોરીને ‘આવતી રહે તને ગામમાં ઉતારી દઇશ’ તેમ કહી ગાડીમાં બેસાડી હતી. ત્યારે ગાડી ચલાવતા યુવક મુકેશ નાઇએ ગાડી છીડીવાડીના બદલે ઠુમર ગામ તરફ ભગાડી મુકી હતી. જેથી કિશોરીએ બૂમાબૂમ કરતાં તેનું મોઢું દબાવી દેવાયું હતું. ત્યાર બાદ તેને ઠુમરના એક ખેતરમાં લઇ જઇ ત્યાં શંકર પટેલ નામના યુવકે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યાર બાદ તેણીને ફરીથી ગાડીમાં બેસાડી વિઠોદર લઇ જવાઇ હતી. જ્યાં મુકેશ નાઇ તથા શંકર પટેલ દ્વારા ફરીથી વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યાર બાદ રાત્રે ત્રણ વાગ્યે છીડીવાડી ગામે તેને ઉતારી દીધી હતી.
આથી ઘેર પહોંચેલી કિશોરીએ તેની માતાને બનાવ અંગે જાણ કરતાં સારવાર અર્થે લઇ જવાઇ હતી. જ્યારે ગામના અગ્રણીઓને સાથે રાખી કિશોરીએ ધાનેરા પોલીસ મથકે તેણી પર બળાત્કાર કરનાર શંકર પટેલ, મુકેશ મશરૂભાઇ નાઇ અને મદદગારી કરનાર નયના દિલીપભાઇ નાઇ (તમામ રહે. ઠુમર, તા. ધાનેરા) સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પી.એસ.આઇ. એ.એન.ગાબાણીએ જણાવ્યું હતું કે, કિશોરીની ફરિયાદના આધારે ત્રણ વ્યક્તિ સામે ગુનો નોંધી તેણીને મેડીકલ ચેકઅપ માટે મોકલી છે. જ્યારે આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે.