વિસનગરની બાવાવાળી પોળમાં રહેતા બે પરિવારો સામાન્ય બાબતે બાખડ્યા હતા. આ અંગે પોલીસે બંન્નેપક્ષોની સામસામી ફરિયાદ લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બાવાવાળી પોળમાં રહેતા જાગૃતિબેન ગજેન્દ્રકુમાર દેસાઇએ અગાઉ તેમના મહોલ્લાના જગદીશભાઇ મિસ્ત્રી સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થયેલી જેમાં જાગૃતિબેને વિસનગર પોલીસ મથકે અરજી આપી હતી. જ્યાં રવિવારે જગદીશભાઇ દિકરા મિતેશભાઇ સાથે આવી અરજી કેમ આપી છે તેમ કહી ગાળો બોલી જાગૃતિબેન તેમજ તેમના માતા કલ્પનાબેન અને નિમેશભાઇને માર માર્યો હતો.
જ્યારે આ ઝપાઝપીમાં તેમના ભાઇ પાસે રહેલ સોનાનો દોરો, મોબાઇલ અને તેમની માતા પાસે રહેલ ઘડિયાળ પડી ગઇ હતી. આ અંગે જાગૃતિએ વિસનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામેપક્ષે મિસ્ત્રી મુકેશભાઇએ ઘર આગળ વાસણ ઘસવાના કપડા સુકવ્યા હતા જે બાબતે જાગૃતિબેન ઉશ્કેરાઇ ગાળો બોલવા લાગ્યા હતા જ્યાં ગાળો બોલવાની ના પાડતાં જાગૃતિબે તેમના ભાઇ અને માતાએ માર માર્યો હતો. પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદો લઇ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.