પાટણમાં હોર્ડિંગ્સ ઉતારતા પાલિકાના બે કર્મચારી વીજ કરંટ લાગતાં પટકાયા

હિંગળાચાચર ચોકમાં ૧૧ હજાર કેવીની ડીપીએ કર્મચારીઓને કરંટ લાગતાં ધારપુર હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડાયા
પાટણ શહેરના હિંગળાચાચર ચોકમાં મંગળવારે સવારે બિન પરવાનગી લગાવેલા હોર્ડિંગ્સ ઉતારવા જતાં પાલિકાના બે કામદાર નજીકની ડીપીથી વીજ કરંટ લાગતાં બંને કર્મચારી ઘાયલ થયા હતા. જેમને તાત્કાલીક સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલ લઇ જવાયા હતા.
આધરભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર,શહેરમાં નગરપાલિકાની પરવાનગીને નેવે મૂકીને બેરોકટોક કેટલાક જાહેર ખબરના હોર્ડિંગ્સ લગાવતાં હોય છે. જેમાં હિંગળાચાચર ચોક આગળ જૂનાગંજ તરફના વળાંકમાં એક ૧૮ ફુટ ઉંચુ હોર્ડિંગ્સ પાલિકાના ઝીણીપોળના હરેશભાઇ ડાહ્યાભાઇ વાલ્મિકી (૩૦) અને ત્રિકમ બારોટની વાવ પાસે રહેતાં દિલીપભાઇ સબુરભાઇ વાલ્મિકી (૪૦) સવારે ૧૦-૧પ વાગ્યે ઉતારવાની કામગીરી કરતાં હતા.
ત્યારે હોર્ડિંગ્સની લોખંડની ફ્રેમ નજીકના ૧૧ હજાર વોલ્ટેજની પસાર થતી લાઇનની ડીપીએ અડી જતાં બંને કર્મચારીને કરંટ લાગ્યો હતો અને નીચે પડી જતાં ઇજા થઇ હતી. આ બનાવના પગલે બજારના વેપારીઓ અને કામદારો સ્થળ પર દોડી આવ્યા હતા.
પાલિકા પ્રમુખ મનોજ ઝવેરી સિટી-૧ વીજ કંપની નાયબ ઇજનેર એમ.જી.પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા અને વીજ કરંટથી ઘાયલ બંને ઇજાગ્રસ્ત કર્મચારીને પાટણ સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
સોસાયટીમાં કામ કરતાં યુવકને કરંટ લાગતાં બેભાન
પાટણમાં ડીસા હાઇવે પર બંધાઇ રહેલ નવીન સોસાયટીમાં મંગળવારે રાકેશ પરમાર નામનો એક યુવક કામ કરતો હતો. ત્યારે નજીકની લાઇનમાંથી વીજકરંટ લાગતાં પટકાયો હતો. જેમાં ઇજા થતાં યુવક બેભાન થઇ ગયો હતો. જેને તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ના ઇએમટી નમ્રતા પટેલ, આર.પી.ચૌહાણ અને પાયલોટ ગુલાબખાન દ્વારા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ લઇ જવાયો હતો.






