હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની દશ ફેકલ્ટીમાં વર્ષ ર૦૧૧ના પરિણામમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર પ૭ છાત્રોને આગામી ર૭મી ફેબ્રુઆરીએ પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. સિતાશું યશચંદ્ર મહેતા અને પાટણ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કે.પી. યાજ્ઞિક ઉપસ્થિત રહેશે.
યુનિવર્સિટીમાં દાતાએ પસંદ કરેલ ફેકલ્ટી, વિષયમાં યુનિ.કક્ષાએ પ્રથમ નંબર હાંસલ કરતાં તેજસ્વી છાત્રોને પ્રતિવર્ષ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવે છે. જેમાં ૭૩ ગોલ્ડમેડલ જુદીજુદી ૧૦ ફેકલ્ટીના ૫૭ છાત્રોને આગામી ર૭મીએ અર્પણ કરવામાં આવશે. જેમાં બે છાત્રોને ત્રણ-ત્રણ મેડલ, દશ છાત્રોને બે-બે ચંદ્રક, પાંચ છાત્રોને રોટેશનથી મેડલ મળશે. વિદ્યાશાખા પ્રમાણે વિનયનમાં ર૧, વિજ્ઞાનમાં ૧૭, ઇજનેરીમાં સાત, કોમર્સ, ફાર્મસી અને કાયદા, મેનેજમેન્ટમાં ચાર-ચાર, એજ્યુકેશન, કોમ્પ્યુટરમાં ત્રણ-ત્રણ અને મેડીસીનમાં એક સુવર્ણચંદ્રકનો સમાવેશ થાય છે.
કુલપતિ ડૉ. હેમિક્ષાબેન રાવે જણાવ્યું હતું કે, યુજીસી દ્વારા ૧૨મી પંચવર્ષિય યોજના આવી રહી છે. ત્યારે યુનિવર્સિટીએ તેની અમલવારી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. જેમાં નવા અભ્યાસક્રમો પણ શરૂ કરાશે. યુનિવર્સિટીમાં સર્જાયેલા વિવાદમાં રાજકીય દબાણ છેકે કેમ તેવી મીડિયાની પ્રશ્નોત્તરીમાં તેમણે જણાવ્યું હતું કે, વ્યક્તિગત હિતો જવાબદાર હોઇ શકે. પરંતુ જાગૃત્તિ આવી છે એટલે પ્રશ્નો ઉભા થાય છે.
આંબેડકર ચેર અંતર્ગત સર્વે
યુનિ.ની આંબેડકર ચેરના કો. ઓર્ડિનેટર તરીકે ડૉ. તેજશ આઝાદની નિમણુંક કરવામાં આવી છે અને સિડ્યુઅલ કાસ્ટના છાત્રોને લાભ મળે છે કે નહીં તેનો સર્વે કરાયો છે. તેના આધારે આગામી વર્ષ વિદ્યાર્થી હિત ઉત્કર્ષના કાર્યક્રમો કરશે.