પેઢીના કર્મચારીઓને બાંધીને રિવોલ્વરની અણીએ લૂંટ ચલાવી હતી
એક વર્ષ પૂર્વે મહેસાણાના બીકે રોડ પર આવેલ પટેલ ઈશ્વરભાઈ સોમાભાઈ નામની આંગડીયા પેઢીના કર્મચારીઓને રિવોલ્વર બતાવી R ૮૦ હજારની લૂંટ ચલાવનારા ત્રણ શખ્સોને મંગળવારે મહેસાણા કોર્ટે પાંચ વર્ષની કેદ અને R ૧૦હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે અન્ય ત્રણ શખ્સોનો પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
સમગ્ર કેસની પ્રાપ્ત વિગત મુજબ, મહેસાણાના બીકે રોડ પર આવેલ મહેતા કોમ્પલેકસમાં આવેલ પટેલ ઈશ્વરભાઈ સોમાભાઈની આંગડીયા પેઢીને લૂંટારુંઓએ નિશાન બનાવી હતી.
મનોજ પટેલ નામના શખ્સની દુકાન પર બેસીને રેકી કરનાર લૂંટારુંઓ ગત ૨૫-૭-૦૯ના રોજ બપોરે સવા બે વાગ્યાના અરસામાં આઈકોન ગાડીમાં ઉપરોકત સ્થળે આવ્યા હતા. જેમાં મનોજ પટેલ તેમજ હિતેશ મગનભાઈ દેસાઈ પેઢીમાં જઇ પોતાના પૈસા આવી ગયા છે? તે બાબતે હાજર કર્મચારી સાથે પૂછપરછ કરી હતી.
આ દરમિયાન બહારથી આંગડિયા પેઢીમાં દોડી આવેલા નિમેષ ઉર્ફે દાઉદ પટેલે પોતાના ખિસ્સામાંથી રિવોલ્વર કાઢી પેઢીના કર્મચારી તરફ ધરી દેતાં તે ધ્રૂજી ગયો હતો. ચારે લૂંટારુંઓએ ભેગા મળી પેઢીના બન્ને કર્મચારીઓના હાથ સેલોટેપથી બાંધી તિજોરીમાંથી R ૪,૨૦૦ તથા કાઉન્ટરના ડ્રોઅરમાંથી R ૮૦હજારની લૂંટ ચલાવી નાસી ગયા હતા.
આંગડીયા લૂંટ અંગે નોંધાયેલી ફરિયાદ અંતર્ગત પોલીસે સાત લૂંટારુંઓની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા. ઉપરોક્ત ચકચારી કેસ મહેસાણા જજ કે.એન. જોષી સમક્ષ સોમવારે ચાલતાં સરકારી વકીલ કે.એન. કંસારાની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ શખ્સને કસુરવાર ઠરાવી પાંચ વર્ષની કેદ અને R ૧૦ હજાર દંડ ફટકાર્યો હતો. જ્યારે ચાર શખ્સોને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.