- મહેસાણાના સરદારપુરામાં ગોધરાકાંડ પછી સર્જાયો હતો આ હત્યાકાંડ
- સરદારપુરાના ઉપસરપંચને કારણે 100 લોકોને મળ્યો હતો જીવતદાન
- સરદારપુરામાં શેખ, પઠાણ, મેમણ અને મન્સુરી સમુદાય વસે છે
ઉત્તર ગુજરાતના મહેસાણાના સરદારપુરામાં સર્જાયેલા કોમી રમખાણો સમયે જ્યાં લઘુમતીઓ નિશાના પર હતા ત્યારે એક હિન્દુને કારણે જ 100થી વધુ મુસ્લિમોને જીવતદાન મળ્યું હતું.
2002માં ગોધરાકાંડ પછી સરદારપુરામાં પણ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. તે સમયે ગામના ઉપસરપંચ સોમેશ્વર પંડ્યાની ઉપસ્થિતિને કારણે જ અનેક મુસ્લિમ પરિવારનો જીવ બચી જવા પામ્યો હતો.
એ સમયની સ્મૃતિઓને વાગોળતા સોમેશ્વરભાઈ જણાવે છે કે એ સમયે મોટાભાગના લોકો એટલા આક્રોશમાં હતા કે કોઇને સમજાવવા જેવું નહોતું. હું તે સમયે હરિજનવાસમાં હાજર હતો. ગામમાં હિન્દુની સાથે શેખ, પઠાણ, મન્સુરી અને મેમણ સહિતના મુસ્લિમ સમુદાયના પરિવારો પણ વસવાટ કરતા હતા.
તેઓ જણાવે છે કે ગોધરાકાંડ પછી ગામમાં પણ પરિસ્થિતિ તંગ હતી. જીવ બચાવવા માટે 100થી વધારે મુસ્લિમોએ તે સમયે પોતાનો જીવ બચાવવા માટે હરિજનવાસમાં શરણ લીધી હતી. તે સમયે વાસમાં સોમેશ્વરભાઈ પણ હાજર હતા. તે સમયે ગામના ઉપસરપંચ હોવા છતાં તેઓ ઉશ્કેરાયેલા ટોળાંને કાબૂમાં લેવા અસમર્થ હતા.
જો કે જ્યારે મારો કાપોની બૂમ સાથે ટોળું હરિજનવાસ પહોંચ્યું ત્યારે ત્યાં ઉપસરપંચ પંડ્યાને જોઇને ટોળું અટકી ગયું હતું. તેમને કદાચ એવું લાગ્યું હતું કે જો તેઓ મારી હાજરીમાં મુસ્લિમો પર હુમલો કરશે તો કદાચ હું તેનો સાક્ષી બનીશ અને તેમના માટે સમસ્યા સર્જાઇ શકે તેમ છે.
આખરે ટોળું પાછું વળી ગયું તેમ છતાં કરાયેલા પથ્થરમારાને કારણે તેમણે પોતાની એક આંખ ગુમાવવી પડી હતી. જો કે વિશાળ સંખ્યામાં લોકોનો જીવ બચાવવાની ખુશી સામે તેમને પોતાની એક આંખ ગુમાવવાનો કોઇ રંજ નથી.