સંડેર,રણુંજ અને બાલિસણામાં પાંચ દુકાન અને એક બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો : એક લાખથી વધારેની મત્તા તફડાવી
બાલિસણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ R ૪૭,૩૦૦ની મત્તાની ચોરી : એક રાતમાં ચોરીના છ બનાવને પગલે લોકોમાં ફફડાટ
ઠંડીનો ચમકારો વધતાંની સાથે જ તસ્કર ટોળકીએ પાટણ પંથકના સંડેર, રણુંજ અને બાલિસણા ગામે પાંચ દુકાનો અને એક બંધ મકાનમાં સપાટો બોલાવ્યો હતો. તસ્કરો સંડેરની ચાર અને રણુંજની એક દુકાનમાંથી કરીયાણાની અને પાર્લરની ચીજવસ્તુઓ ચોરી ગયાં હતા. જ્યારે બાલિસણા ગામે બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને કપડાંની ઉઠાંતરી કરી ગયા હતા. ત્રણેય ગામોમાંથી એક લાખથી વધુ મત્તાની ચોરી થતાં સ્થાનિક રહીશોમાં ફફડાટ પ્રસર્યો હતો.
સંડેર ગામે ગુરુવારે રાત્રીના સમયે તસ્કરોએ એક સિમેન્ટની અન ેત્રણ પાર્લરો મળી કુલ ચાર દુકાનોના શટરો તોડ્યા હતા. જેમાંથી તેઓ ૧૫ મોબાઇલ, ટીવી, ડીવીડી, મોબાઇલ ચાર્જરો, કુપનો, સિગારેટ પોકેટો અને પાન મસાલા સહિત R ૩૨,૨૦૦ની દુકાનમાંથી ચોરી કરી ગયા હતા. આ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે અમિતકુમાર મહેન્દ્રભાઇએ ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે બાલિસણા ગામના હેતલકુમાર ઇશ્વરભાઇ પટેલ અને તેમનાં પત્ની શિક્ષક હોવાથી તેઓ પાટણ ખાતે રહે છે અને તેમના વતન બાલિસણા ગામે આવેલું મકાન બંધ રહેતુ હોવાથી કોઇ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવીને બંધ મકાનનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરીને તિજોરીમાંથી સોનાનો દોરો, ચાંદીની કંકાવટી અને ચાંદીની નાની પાટ તેમજ ધાબળા મળી કુલ R ૪૭,૩૦૦ની મત્તાની ચોરી કરી ગયા હતા. આ અંગે હેતલકુમાર પટેલે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
રણુંજ : પાટણ તાલુકાના રણુંજ ગામે રેલવે સ્ટેશન રોડ પર પટેલ જગદીશભાઇ ખોડીદાસની રવિ કિરાણા સ્ટોર નામની દુકાનમાં તસ્કરોએ હાથ માર્યો હતો. મોડી રાત્રે દુકાનમાં અજવાળુ હતુ તેમજ વાહન ઉભેલુ હતું ત્યારે આંબાપુરાના એક રહીશ અચાનક નીકળતાં તસ્કરો તેમના વાહન સાથે ભાગ્યા હતા. ચોરીની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ડોગ દુકાનથી રોડ પર ઉભેલા વાહન સુધી જઇ અટકયો હતો. દુકાન માલિક જગદીશભાઇ પટેલના જણાવ્યા મુજબ, તેલના ત્રણ ડબ્બા, ચોખાના પાંચ કટ્ટા, દાળના ચાર કટ્ટા, ખાંડની બોરી, હળદર ૧૦ કિલો, ગોળ ૧૦ કિલોના ૧ર રવા, તથા જથ્થાબંધ મળી ર૩ કિલો, ચાર કટ્ટા ચોખા તેમજ પરચૂરણ મળી આશરે R ૩૩ હજારના કરીયાણાની માલની ચોરી થવા પામી હતી.