ઐતિહાસિક વડનગરમાં કલાધારિણી તાના-રીરી બહેનોના સમાધિ સ્થળે ઢળતી સાંજે રેલાયેલા સંગીતના સૂરમાં કલારસિકોએ ડૂબકી મારી
શુક્રવારે સાંજે વડનગર સ્થિત તાનારીરી સમાધિ સ્થળે પીઢ શાસ્ત્રીય ગાયિકા અને પદમભૂષણનું સન્માન મેળવનારાં ગિરિજાદેવીને ‘તાનારીરી સંગીત સન્માન’ અર્પણ સાથે બે દિવસનો તાનારીરી મહોત્સવનો શુભારંભ થયો હતો. મહોત્સવના પ્રથમ દિવસે ગાર્ગી વોરા, રેખા રાવળ, અનિતા પંડિત, શિવરંજની પંડિત સહિતના કલાકારોએ સંગીતની રસવાણી વહેડાવી ઉપસ્થિત કલારસિકોને ડોલાવ્યા હતા.
તાનારીરી મહોત્સવનું ઉદ્ઘાટન રમત-ગમત, યુવા અને સંસ્કૃતિના મંત્રી ફકીરભાઇ વાઘેલાના હસ્તે મંગલદીપ પ્રગટાવીને કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જયંતભિાઇ પટેલ, ઊંઝાના ધારાસભ્ય નારાયણભાઇ પટેલ, જળસંચય સમિતિના ચેરમેન અંબાલાલ પટેલ, સરદાર સરોવર નિગમના ડાયરેક્ટર વસંતભાઇ રાવલ, નગરપાલિકા પ્રમુખ તારાબેન પરમાર, સામાજિક કાર્યકર્તા સોમાભાઇ મોદી સહિતના જિલ્લાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી ફકીરભાઇ વાઘેલાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ મહોત્સવનો હેતુ તાનારીરીના બલિદાનની વાત રાષ્ટ્ર સુધી પહોંચાડવાનો છે અને આ મહોત્સવને રાષ્ટ્રીય કક્ષાનો બનાવવાનો છે. તાનસેનને દિપક રાગ ગાતાં તેના શરીરમાં જે દાહ ઉપડ્યો હતો તેને તાનારીરીને મલ્હાર રાગ છેડી તાનસેનના શરીર પડેલ દાહને શાંત પાડ્યો હતો.
આ મહોત્સવમાં ગાર્ગી વોરા, સુર મ્યુઝિક ગ્રુપ-વડોદરા દ્વારા નિર્દેશિત સજદા સિસ્ટર્સ, રેખા રાવળ, અનિતા પંડિત, શિવરંજની પંડિત, મંજુ મહેતા નિર્દેશિત સપ્ત સંસ્થાના કલાકારોએ શાસ્ત્રીય સંગીત દ્વારા પોતાની રસવાણીથી ઉપસ્થિત જનમેદનીને રસ તરબોળ કર્યા હતા. આ મહોત્સવમાં યુવા અને સાંસ્કૃતિ વિભાગના સચિવ ભાગ્યેશ ઝાએ જણાવ્યું કે, તાનારીરી મહોત્સવના માધ્યમથી સંગીતને પુન: જીવત કરવાના અમે પ્રયાસ કરી રહ્યા છીએ.
ગત વર્ષે આ એવોર્ડ લતા-ઉષા મંગેશકરને એનાયત કરાયો હતો
તાનારીરી મહોત્સવ અંતર્ગત તાનારીરી સંગીત સન્માન એવોર્ડ ગત વર્ષે લતા - મંગેશકર તેમજ ઉષા મંગેશકર બહેનોને સંયુક્ત એનાયત કરવામાં આવ્યો હતો.
આજના સંગીતના આરાધકો
આજે સાંજે સાત કલાકે કુ. ભૂમિ ત્રિવેદી, સુશ્રી સાવરી શાહ-કજરી શાહ, ડૉ.. મોનિકા શાહ નિર્દેશિત આરાધના એકેડેમીના કલાકારો ડૉ.. કુમુદ ઝા દિવાન, સુપ્રસિદ્ધ ગાયિકા સુશ્રી સાધના સરગમ સહિત કલાકારો સંગીતના સૂરો રેલાવશે.
ગિરિજાદેવીએ બનારસી ઘરાનાની ઠુમરી, ભોપાલી રાગ રજૂ કર્યા
તાનારીરી મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં પદમભૂષણ એવોર્ડ વિજેતા ગિરિજાદેવીએ પોતે બનારસના વતની હોય તેમજ દેશભરમાં બનારસી ઘરાને કી ઠુમરી તેમજ ભોપાલી રાગ પ્રચલિત હોય આ બંને રાગને ગાઇ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે આ સંગીતની વિશેષતા એ હતી કે તેમને ચોથી પેઢી સાથે સંગીતના સૂરો રેલાવ્યા હતા.