ડીસામાં બે દિવસ અગાઉ બસ સ્ટેશનમાંથી રાજસ્થાની વેપારી પાસેથી R ૪.૨૭ લાખની ચીલઝડપ કરવાના કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ જારી રાખી ગુરુવારે ચીલઝડપ કરનારનો સ્ક્રેચ તૈયાર કરાવ્યો હતો. જેથી હવે પોલીસ ગુનાનો ભેદ ઝડપથી ઉકેલાશે તેવી આશા સેવી રહી છે.
ડીસાના નવા બસ સ્ટેશનમાં મંગળવારે સાંજે રાજસ્થાનના રાણીવાડાના વેપારી અજારામ ચેલાજી ઘાંચી પાસેથી R ૪.૨૭ લાખની રોકડ રકમ ભરેલી થેલી ઝુંટવી ગઠિયો ફરાર થઇ ગયો હતો. આ અંગે તેઓએ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. કે.એફ.કુરેશીએ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા બુધવારે એસ.ટી. બસ સ્ટેશનમાં ફરિયાદીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું હતું.
જ્યારે ગુરુવારે ફરિયાદીને પાલનપુર લઇ જઇ જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે કમ્પ્યૂટર પર ફરિયાદીએ કરેલ વર્ણન મુજબ સ્ક્રેચ તૈયાર કર્યો હતો. આ અંગે પી.એસ.આઇ. કે.એફ.કુરેશીએ જણાવ્યું હતું કે, ફરિયાદીએ કરેલ વર્ણન મુજબ ચીલઝડપ કરનારનો સ્ક્રેચ તૈયાર કરાયો છે જે જાહેર જગ્યાએ લગાવવામાં આવશે. જેથી આ વ્યક્તિ કોઇની પણ નજરે પડે તો તુરંત પોલીસને જાણ કરવા વિનંતી કરી હતી.