કમિટીઓની ફાળવણી સહિતના મુદ્દે ત્રણ નગરસેવકોએ પણ વિવિધ કમિટીના સભ્યપદેથી રાજીનામાં ધરી દીધાં : ભાજપમાં ખળભળાટ
બુધવારે લીગલ કમિટીના ચેરમેને પણ રાજીનામું આપ્યું હતું : શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલો ઘટનાક્રમ
ભાજપ શાસિત મહેસાણા નગરપાલિકાની ગત મંગળવારે મળેલી સામાન્ય સભામાં કરાયેલી વિવિધ કમિટીઓની નવરચના મુદ્દે કેટલાક નગરસેવકોમાં અસંતોષ વ્યાપ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ઉકળતો અસંતોષનો ચરુ શુક્રવારે ઉભરાયો હતો અને સાંજે છ નગરસેવકોએ કમિટીના ચેરમેનપદેથી અને ત્રણ નગરસેવકોએ વિવિધ કમિટીના સભ્યપદેથી રાજીનામાં ધરી દેતાં પાલિકાના રાજકરણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ ઘટનાક્રમને પગલે ભાજપ પક્ષમાં પણ ખળભળાટ મચી ગયો છે.
મહેસાણા પાલિકાની વિવિધ કમિટીઓની તાજેતરમાં કરાયેલી નવરચના અંગે કેટલાક નગરસેવકોમાં કમિટીઓની વહેંચણી બાબતે આંતરિક કચવાટ જોવા મળ્યો હતો. બીજા દિવસે જ લીગલ કમિટીના ચેરમેન પદેથી કિરીટભાઈ પરમારે પોતાને સતત બીજીવાર એ જ કમિટી આપી હોવાનું કારણ આપી રાજીનામંુ ધરી દીધું હતું.
કમિટીઓની વહેંચણીમાં જાતિવાદ અને પક્ષપાતી વલણ રખાયું હોવાની તેમજ નામ પૂરતી કમિટી આપીને અવગણના કરાઈ હોવાની લાગણી સાથે અન્ય કેટલાક નગરસેવકોમાં પણ ભારે અસંતોષની લાગણી વ્યાપી હતી અને છેલ્લા ત્રણેક દિવસથી બેઠકો કરીને રાજીનામાં ધરી દેવાની વાતો સ્થાનિક રાજકારણમાં ચર્ચાની એરણે ચઢી હતી.
છેવટે શુક્રવારે સાંજે વધુ નવ નગરસેવકોએ છ કમિટીઓના ચેરમેનપદેથી તેમજ વિવિધ કમિટીઓના સભ્યપદેથી રાજીનામાં ધરી દેતાં સ્થાનિક રાજકારણમાં હલચલ મચી ગઇ છે. પાલિકામાં શાસક પક્ષના જ નગરસેવકોમાં વ્યાપેલો અસંતોષ ચરમસીમાએ પહોંચતાં આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
ક્યા મુદ્દે અસંતોષ
- કમિટીઓની વહેંચણીમાં પક્ષપાતી વલણ
- ચેરમેનોને સત્તા નહીં
- નામ પૂરતી જ કમિટીના ચેરમેન બનાવાયા