જિલ્લામાં બુધવારે શ્રદ્ધાભેર મેળાની મોજ અને પરંપરાગત રીતે શીતળાસાતમની ઉજવણી કરાઇ હતી. જેમાં શીતળા માતાને પ્રસાદ ચડાવી લોકોએ પૂજા કરી હતી. જ્યારે કડી, મંદ્રોપુર, વિસનગર સહિતનાં સ્થળોએ મેળા ભરાતાં માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. ઊંઝા, બહુચરાજી, વિજાપુર સહિતનાં સ્થળોએ પણ પરંપરાગત રીતે શીતળા સાતમની ઉજવણી કરવામાં આવીહતી.
ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામે બુધવારે શીતળા સાતમના મેળામાં ઉમટેલા ભાવિકોએ શીતળા દેવીને સુખડી અને શ્રીફળનો પ્રસાદ ચડાવી મેળાની મજા માણી હતી. તો બીજી તરફ મેળામાં આવતા લોકો માટે એસ.ટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાઇ હતી. જ્યારે સ્થાનિક પી.આઇ. આર.પી.ઝાલાએ ચોમેર પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી.
આજ પ્રકારે ગામના સરપંચ બકાભાઇ સહિત તા.પં.ના ઉપપ્રમુખ દિલીપસિંહ રાણા વગેરે અગ્રણીઓએ મેળામાં ઉમટેલા માનવ મહેરામણ તેમજ દુકાનદારોને વ્યવસ્થા પૂરી પાડી હતી. આ ઉપરાંત વિસનગર શહેરના ગુંદીખાડ વિસ્તારમાં શીતળા માતાનું મંદિરે સાતમનો મેળો ભરાયો હતો. શ્રધ્ધાળુઓ ની સવારથી જ મંદિરે દર્શન માટે મોટી લાઇનો લાગી હતી.
કડીના સોમેશ્વર મહાદેવે શીતળા સાતમનો મેળો ભરાયો
કડીના કડીના કરણનગર રોડ સ્થિત ગાયત્રી મંદિર સંકુલમાં આવેલ સોમેશ્વર મહાદેવન સાંનિધ્યે વર્ષોની પરંપરા મુજબ શીતળા સાતમ નિમિત્તે બુધવારે લોકમેળો યોજાયો હતો. જેમાં કડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાથી લોકો મોટી સંખ્યામાં મહાદેવજીના દર્શન કરી લોકમેળામાં ઉમટી પડ્યા હતા.મેળામાં ચિકકાર માનવ મેદની ઉમટી પડી હતી.
જ્યારે સ્ત્રીઓએ સવારથી જ શીતળા માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી. ઉપરાંત રાત્રિ દરમિયાન લોક ડાયરો યોજાયો હતો. જેમાં નામાંકિત કલાકારો લોક ડાયરાની રમઝટ જમાવી હતી. ત્યાર બાદ મહાઆરતી અને કૃષ્ણ જન્મોત્સવની પણ ઉજવણી કરાઇ હતી.