બાયડ તથા માલપુર તાલુકાની સરહદે આવેલા ગાબટની સીમમાંથી માલપુરના પટેલીયાના મુવાડાના એક આધેડ પુરુષની મળેલી લાશે અનેક તર્કવિર્તકો સર્જયા છે. આ અંગે બાયડ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળેલ વિગત અનુસાર બાયડ તાલુકાના ગાબટ ગામની સીમમાં ૨૫ થી ૨૭ નવેમ્બર દરમિયાન મૃત હાલતમાં માલપુર તાલુકાના પટેલીયાના મુવાડા ગામના દલસુખભાઇ ધુળાભાઇ ભગોરાની લાશ મળતાં બાયડ તેમજ માલપુર તાલુકામાં ચકચાર મચી ગઈ છે. ગાબટ ગામની સીમમાં આવેલ ગરનાળા પાસે પડતર જમીનમાં દલસુખભાઇની લાશને લઇ વિવાદ ઉભો થઇ જવા પામ્યો છે.
હત્યા કે આત્મહત્યા ને લઇ તાલુકાભરમાં ચર્ચાઓ ઉભી થઇ છે. સુત્રોના જણાવ્યા મુજબ કેટલાક શખ્સોએ થોડા દિવસ અગાઉ દલસુખભાઇ સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો તેવુ બહાર આવવા પામ્યુ છે. દલસુખભાઇની લાશ બે તાલુકાની સરહદે થી મળેલ હોવાને લઇ બંને તાલુકાની પોલીસ વચ્ચે હદવિવાદ ઉભો થઇ જવા પામ્યો હતો. જોકે બાયડ પોલીસે બાયડ ખાતે અકસ્માતે મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ શું કહે છે?
આ અંગે બાયડ પી.એસ.આઇ બી.કે.ભરવાડનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ કે બાયડ પોલીસ દ્વારા તમામ પાસાઓ ચકાસવાની શરૂઆત કરવામાં આવી છે. પી.એમ કરાવ્યા બાદ વધુ રીપોર્ટ માટે અન્ય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે કોઇ કચાસ નહી રાખવામાં આવે તેમ જણાવ્યુ હતુ. જ્યારે બીજી બાજુ માલપુર પી.એસ.આઇ કે.એ.વાળાએ જણાવ્યુ કે આ બાબતમાં મૃતકનુ ગામ માલપુર તાલુકામાં આવેલ છે. જ્યારે લાશ બાયડ તાલુકામાં મળી છે. માલપુર પોલીસ પણ જરૂર પડે તમામ મદદ બાયડ પોલીસને કરશે.