- કામગીરી માટે રેવન્યૂ ગામદીઠ બે પ્રેરકની ભરતી કરાશે
- જિલ્લામાં ૧૫ વર્ષથી ઉપરના નિરક્ષરોને અક્ષરજ્ઞાન આપવાની આ યોજના માટે રૂ.૧૫.૨૭ કરોડનો ખર્ચ કરાશે
જન સમુહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે ; એને દૂર કરવી જ જોઇએ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ ચિંતનને ચરિતાર્થ કરવા તથા નિરક્ષરોને સાક્ષર કરવા અનોખી સરસ્વતી યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં ૧૫ વર્ષથી ઉપરના નિરક્ષરોને લખતા, વાંચતા કરાશે. આ કામગીરી માટે જિલ્લામાં દરેક રેવન્યું ગામ દીઠ બે પ્રેરકોની ભરતી કરાશે.
નિરક્ષરોને સાક્ષર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પચાસ ટકા કરતાં ઓછો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા દેશના ૧૬૭ જેટલા જિલ્લાઓમાં ‘સાક્ષર ભારત’ અભિયાન શરૂ કરાયું છે. જેમાં રાજ્યના ૧૩ જિલ્લાઓની પસંદગી કરાઇ છે.
જોકે આ યોજનામાં બાકી રહી ગયેલા જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા અનોખી સરસ્વતી યાત્રા યોજના શરૂ કરવામાં આવી છે. સાક્ષરતાનું પ્રમાણ ઉંચુ આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરેલી આ યોજનામાં ગામે ગામે ઝુંબેશ ચલાવી નિરક્ષરોને અક્ષરજ્ઞાન અપાશે.
જિલ્લા, તાલુકા તથા ગ્રામ્ય કક્ષાએ સમિતિઓ બનાવી વિવિધ કામગીરી કરી ૧૫ વર્ષથી ઉપરની વયના અશિક્ષિતોને લખતા વાંચતા કરવા પ્રયાસ કરાશે. મહેસાણા જિલ્લામાં આ યોજના અંતર્ગત R ૧૫.૨૭ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ઇન્ચાર્જ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી એમ.પી.પટેલ આ અંગે જણાવે છે કે, આ કામગીરી માટે જિલ્લાના તમામ રેવન્યુ ગામોમાં બે-બે પ્રેરકોની ભરતી કરવામાં આવશે. તાલુકા કક્ષાએ બે તથા જિલ્લા કક્ષાએ પાંચ વધારાના પ્રેરકોની નિમણુંક કરાશે જે સમગ્ર કામગીરીનું સંકલન કરશે. આ અંતર્ગત જિલ્લાના ૬૧૪ ગામોમાં ૧૨૨૮ જેટલા પ્રેરકોની ભરતી કરાશે.
ઓનલાઇન પરીક્ષા લેવાશે
આ યોજનામાં પસંદ કરાયેલા પ્રેરકો ગામનો સર્વે કરી ગામમાં રહેલા ૧૫ વર્ષથી ઉપરના નિરક્ષરોને શોધી એમની યાદી બનાવશે. ત્યાર બાદ આ નિરક્ષરોને ૧૦-૧૫ના નાના નાના ગ્રુપમાં વહેંચી અક્ષરજ્ઞાન આપવામાં આવશે. જે બાદ એમની ઓનલાઇન પરીક્ષા પણ લેવામાં આવશે.
જિલ્લામાં ૧.૩૫ લાખ નિરક્ષરો
વર્ષ ૨૦૦૧ મુજબ જિલ્લાનો સાક્ષરતા દર ૭૫.૨૨ ટકા નોંધાયો હતો. જેમાં પુરૂષ સાક્ષરતા દર ૮૬.૨૦ ટકાની સામે સ્ત્રી સાક્ષરતા દર ૬૩.૩૫ ટકા જેટલો નોંધાયો હતો. જિલ્લાની કુલ વસ્તી ૧૮,૩૭,૮૯૨ની સામે ૧૫ વર્ષથી ઉપરની વયના ૧,૩૫,૨૦૦ નિરક્ષરો નોંધાયા હતા.