DaxinGujarat MadhyaGujarat
Saurashtra
UttarGujarat
Kutchh
Ahmedabad
Vadodara
Surat
Rajkot
DiuDaman
Bhavnagar
Mumbai
Gujarat ni Gupsup
વરસાદ ખેંચાતા સાબરકાંઠા તરસ્યું, તરસ કોણ બુઝાવશે?
Bhaskar News, Himmatnagar | Jul 01, 2012, 00:52AM IST

વરસાદ ખેંચાતા જિલ્લાના ઇડર, મેઘરજ, માલપુર સહિતના તાલુકાના અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીના પોકાર ઉઠવા પામ્યા છે. કુવા, બોરના તળીયા ઊંડા ઉતરી જતા ગામની મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે ખેતરે ખેતરે ભટકવું પડે છે. પાણી પુરવઠા વિભાગ તરફથી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો એકશન પ્લાન નિષ્ફળ રહ્યો હોવાની લાગણી લોકોમાં પ્રર્વતી રહી છે.
વાતાવરણમાં અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે પણ મેઘરાજાની સવારી ન થતાં ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો ખેંચાઇ છે. પાણી પુરવઠા વિભાગ તરફથી કરોડો રૂપિયાના ખર્ચ કરી નવા કુવા, બોર તથા પાઇપ નાખવાની કામગીરી માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.
તેમ છતાં પીવાના પાણીની સમસ્યાનું કોઇ યોગ્ય નિરાકરણ કરવામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને ઝાઝી સફળતા મળી નથી.
ધરોઇ જૂથ યોજના સહિતની વિવિધ યોજનાઓ મારફતે પીવાનું પાણી પુરુ પાડવામાં આવે છે. પરંતુ અવાર નવાર પાઇપલાઇનોમાં ખામી સર્જાવાના કારણે ચાર-ચાર દિવસ સુધી પીવાનું પાણી પહોંચતું નથી. મેઘરજ, માલપુર તાલુકાના ૨પ થી વધુ ગામડાઓમાં ટેન્કર મારફતે પીવાનું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.
પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સમક્ષ સરપંચો તથા ગામના અગ્રણીઓ તરફથી રજુઆત કરવામાં આવી હોવા છતાં પીવાના પાણીની વિકટ સમસ્યાના ઉકેલ માટેની કોઇ કામગીરી ન કરાતા લોકોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે.
વિજયનગર તાલુકામાં વરસાદ
વિજયનગર તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કપાસનું વાવેતર કરનારા ખેડૂતોએ બોરના પાણીથી બિયારણનું વાવેતર કર્યુ હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ જયંતિભાઇ પટેલ તથા ખેડૂત અગ્રણી અરવિંદભાઇ પટેલના જણાવ્યા અનુસાર વિજયનગર તાલુકામાં વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર કરવામાં ખેડૂતોને વિલંબ થઇ રહ્યો છે.
મકાઇ, તુવેર, અડદ જેવા પરંપરાગત પાકોનું હજુ વાવેતર થયું નથી. જયારે કપાસના બિયારણને હાલ બોરકૂવાના પાણી આપી વાવેતર કરાયું છે. આ અઠવાડીયામાં મેઘરાજા મ્હેર નહિ કરે તો ખેડૂતોની હાલત કફોડી થઇ શકે તેમ છે.






