તસ્કરો ઓક્સિજન ગેસ અને ગેસના સિલિન્ડર મુકી ભાગી ગયા
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે આવેલી સાબરકાંઠા બેન્કની બ્રાન્ચમાં ગુરુવારની રાત્રે તસ્કર ટોળકીએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કર ટોળકી સ્થળ પર ઓિકસજન ગેસનો સિલીન્ડર તેમજ ગૃહ વપરાશનો સિલીન્ડર મુકી ભાગી છુટયા હતા.
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ગામે સાબરકાંઠા બેંકની બ્રાન્ચ માંગુરુવારની રાત્રે તસ્કરોએ ત્રાટક્યા હતા. અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.બેન્કના શટરનું સેન્ટર લોક ગેસ કટર વડે કાપી અંદરના ભાગે જતાં આવેલી જાળીના પણ તાળા તોડી પ્રવેશી હોવાનું મનાઈ રહ્યું છે.જોકે વાહનના અવાજથી તેઓ ભાગી છુટયા હોવાની શક્યતાઓ ગ્રામજનો દ્વારા જણાવાઈ રહી છે.
બેન્કમાં ૮.૭૫ લાખ રૂપિયા કેશ હતી
બેન્ક સત્તાવાળાઓએ ૮.૭૫ લાખ રૂપિયાની રોકડ તિજોરીમાં મુકી તેને નિયમાનુસાર સીલ મારી દીધું હોવાનું બ્રાન્ચ મેનેજર બી.ડી.તરારે જણાવ્યું હતું. જો આ ચોરીનો પ્રયાસ સફળ રહ્યો હોત તો માતબર રકમ તસ્કર ટોળકી ચોરી જાત.
બેન્કમાં સિક્યોરીટીની કોઈ જ વ્યવસ્થા નથી
રોજ બરોજ બેન્કમાં આઠથી દસ લાખ રૂપિયા ઉપરાંતની કેશ તિજોરીમાં રહેતી હોવાનું સૂત્રો દ્વારા જણાવાઈ રહ્યું છે ત્યારે તેની સુરક્ષા માટે કોઈ જ ચોકીદારને વ્યવસ્થા સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવી ન હોવાથી અનેક આશ્ચર્ય પેદા થાય છે.
વાહનના અવાજથી તસ્કરો નાઠા
કેટલાક યુવાનો નજીકના કુણોલ ગામે ગુરુવારની રાત્રે ભજન મંડળીમાં ગયા હતા. જ્યાંથી તેઓ રાત્રે દોઢ વાગ્યાના સુમારે ખાનગી વાહનમાં પરત આવતા હતા. ત્યારે તેનો અવાજ તેમજ લાઈટ જોઈને તસ્કરો ભાગી છુટયા હોવાની શક્યતા સેવાઈ રહી છે.
હાલ પુરતી પોલીસ ફરિયાદ ટળાઈ
ચોરીનો નિષ્ફળ પ્રયાસ થતાં વહેલી સવારે જ ઈસરી પીએસઆઈ કે.બી.રાણાવત અને સ્ટાફ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા. તેઓએ સમગ્ર ઘટનાની તપાસ પોતાની રીતે હાથ ધરી હતી. પરંતુ સત્તાવાળાઓ દ્વારા મોડી સાંજ સુધી ફરિયાદ આપવામાં આવી ન હતી. પરંતુ સ્થળ પરથી મળી આવેલા મુદ્દામાલના આધારે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી ચોરીનો નિષફળ પ્રયાસ કરનારા તત્વોને ઝડપી લેવા કવાયત આદરી છે.