સાબરડેરી દ્વારા હરિયાણા રાજ્યના આઇએમટી રોહતક ખાતે ડેરીના પ્લાન્ટની ખાતમૂહૂર્ત વિધી શુક્રવારે ચેરમેન-નિયામક મંડળ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ હતી.
ખાતમુહુર્ત પ્રસંગે ચેરમેન જેઠાભાઇ પી. પટેલે જણાવ્યું હતું કે ઓછા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતા મશીનોનો ઉપયોગ કરી અતિ આધુનિક દૂધ પ્લાન્ટની સ્થાપના કરવાનું આઇએમટી રોહતકમાં આયોજન કર્યું છે. જે લાંબાગાળા માટે સંઘ અને દૂધ ઉત્પાદકો માટે આર્શીવાદરૂપ સાબિત થશે.
ડેરીના મેનેજીંગ ડિરેક્ટર ડૉ.બાબુભાઇ પટેલે સ્થપાનારા પ્લાન્ટ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ નવીન ઓટોમેટીક દૂધ પ્લાન્ટની પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિદિન પાંચ લાખ મે.ટનની છે જે પ્રતિદિન આઠ લાખ લીટરની પ્રોસેસિંગ ક્ષમતા સુધી વિસ્તારી શકાશે. આ દૂધ પ્લાન્ટ આશરે રૂ.૧૨૫ કરોડના ખર્ચે બનનાર છે ત્યારે તેની વિશેષ ખાસિયત એ છે કે સમગ્ર પ્લાન્ટ મહત્તમ કાર્યોમાં સ્વયં સંચાલિત છે તે હાલના અંદાજ મુજબ આગામી દોઢેક વર્ષમાં કાર્યરત થઇ જશે.શરૂઆતના તબક્કામાં પાશ્ચ્યુરાઇઝડ દૂધ-છાશનું પેકીગ, મસ્તી દહીં, યોગર્ટ તથા લસ્સી બનાવી દિલ્હીના માર્કેટમાં વેચાણ માટે મુકવાનું આયોજન છે.
ચેરમેને ડેરીના વિકાસનો શ્રેય હાલના જાગૃત નિયામક મંડળના સમયસરના અને ચોક્કસ નિર્ણયો સાથે પદાધિકારી-અધિકારી અને સૌ કર્મચારી મિત્રોને આપી જણાવ્યું હતું કે આપણે સંકલનથી કાર્યરત રહીશું તો વિકાસલક્ષી તમામ ધ્યેય હાંસલ કરવામાં સંઘને કોઇ નકારાત્મક શકિત રોકી નહી શકે. તેમણે આ તબક્કે જિલ્લાની યુવા શકિતને દૂધના વ્યવસાયમાં આગળ આવવા આહવાન કરી દૂધ વ્યવસાયના વિકાસમાં આગામી દિવસોમાં આજની યુવા શકિતએ મહત્વની ભૂમિકા બજાવવાની છે તેવી અપીલ પણ કરી હતી.