સાંતલપુરના દરબાર સમાજના લોકો બહુચરાજી પાસેના આકવા ગામે લોકાચારે જઇ રહ્યા હતા એ સમય દરમિયાન દહીંગામડા નજીક જીપનું ટાયર ફાટતાં જીપ પલટી ખાઇ જતાં મહિલાઓ અને બાળકો સહિત ૧૫ જણાં ઘાયલ થયાં હતાં. જેમાં પાંચની હાલત ગંભીર જણાતાં રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. જેમાં બેની હાલત ગંભીર હોવાનું રેફરલના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.
બહુચરાજી નજીક આકવા ગામે સમાજના એક બુર્ઝુગનું અવસાન થયું હોઇ શુક્રવારે સવારે સાંતલપુરથી જીપ ભાડે કરીને દરબાર સમાજના લોકો લોકાચારે જવા માટે આઠેક વાગ્યાના સુમારે નીકળ્યા હતા. તેઓની જીપ દહીંગામડા નજીક ગુજરાત હોટલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ચાલુ ગાડીએ જીપનું ટાયર એકાએક ફાટી જતાં જીપ પલટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મુસાફરોએ બચાવ અર્થે બુમાબુમ કરી મૂકી હતી.
આ અકસ્માતમાં ૧૫ જેટલા લોકો ઘાયલ થયાં હતાં. આજુબાજુના લોકોએ દોડી આવી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ગંભીર રીતે ઘાયલ સાત વ્યક્તિઓને રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. જેમાંથી પાંચની હાલત વધુ ગંભીર જણાતાં મહેસાણા રીફર કરાયા હતા. જેમાં નિમુબા દરબાર અને બાબુજી દરબારની હાલત વધુ ગંભીર હોવાનું મેડિકલ ઓફિસર ડૉ..પરેશ કડીયાએ જણાવ્યુ હતું જ્યારે આઠ ઘાયલોની સાંતલપુર રેફરલમાં સારવાર કરાઇ હોવાનું મેડિકલ ઓફિસર ડૉ..કુમાર કુંદને જણાવ્યું હતું.