દેદીયાસણ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટીકના દાણા બનાવવાની એક ફેકટરીમાં શનિવારે બપોરે એગ્લો મશીન પર કામ કરી રહેલા મશીન ઓપરેટરનો હાથ મશીનની બ્લેડથી કપાઈ જતાં સારવાર માટે ખસેડાયો હતો.
મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટીકના દાણા બનાવવાની ઉમિયા પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં બનાસકાંઠા જિલ્લાના અબલુન ગામના વતની ઠાકોર દશરથજી ભીખાજી (ઉં.વ.૨૬) મશીન ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને ફેકટરીમાં જ રહે છે. શનિવારે તેઓ મશીન ઉપર કામ કરી રહ્યા હતા ત્યારે બપોરે ત્રણેક વાગ્યે અચાનક તેમનો ડાબો હાથ મશીનની બ્લેડમાં આવી જતાં કાંડાના ભાગથી કપાઈને છુટો પડી ગયો હતો.
અચાનક સર્જાયેલા અકસ્માતથી દોડધામ મચી ગઈ હતી અને મશીન બંધ કરીને ફેકટરી માલિક તેમજ સહકર્મીઓ ઈજાગ્રસ્ત દશરથજીને તાત્કાલિક સારવાર માટે શહેરની લાયન્સ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ બાબતે મહેસાણા તાલુકા પોલીસને જાણ કરાતાં હેડ કોન્સ્ટેબલ બનુસિંહે ઈજાગ્રસ્તનું નિવેદન લીધા બાદ જાણવાજોગ નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ દોલજીભાઈએ હાથ ધરી છે.