પાટણ સરસ્વતી નદીના પટમાં અને સહસ્ત્રલિંગ તળાવની પાછળ આવેલા ઐતિહાસિક સ્મારક શેખ ફરીદનો રોજો (દરગાહ) પુરાતત્વ વિભાગ દ્વારા આરક્ષિત ઘોષિત કરાયેલ છે. પરંતુ આ પ્રાચીન સ્મારક સુધી પહોંચવા માટે પાકા રસ્તાની પ્રાથમિક સુવિધા હજુ સુધી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી નથી.
૭૦૦ વર્ષ પૂર્વે મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખીલજીના સમયમાં આ પ્રાચીન સ્મારક બંધાયુ હોવાનું માનવામાં આવે છે. હાલ આ સ્થાનકે પ્રાથમિક સવલતો પણ દુષ્કર બનવા પામી છે.જ્યાં આવવા જવાના રસ્તાની કોઇ જ સુવિધા ન હોવાથી પ્રવાસીઓ આ સ્થળ નિહાળ્યા વિના જ પાછા વળી જતાં હોય છે. આ સ્થળના રખોપા કરતાં બુઝુર્ગ કુતુબુદ્દીન સૈયદ ચાચાએ જણાવ્યુ હતું કે, શેખ ફરીદનો ઈતિહાસ પાટણ પ્રભુતામાં છે.
રસ્તાની સુવિધા કરવા મહેસુલમંત્રી અને પાટણ પંચાયત પ્રમુખ સમક્ષ રજૂઆત કરવા છતાં હજુ રસ્તો બનાવવામાં આવ્યો નથી. જિ. પં. પ્રમુખ મોહનભાઇ પટેલ દ્વારા પાટણ તાલુકા પંચાયત અને કાર્યપાલક ઇજનેરને તાજેતરમાં રસ્તો બનાવવા નિયમોનુસાર કાર્યવાહી કરવા ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ધરતીકંપ વખતે નુકસાન ગ્રસ્ત દરગાહનો એક ભાગ જમીન દોસ્ત થયો છે.'