જગતનિયંતા ભગવાન વિષ્ણુએ શ્રીકૃષ્ણાવતાર ધારણ કર્યો ત્યારથી બાળ કનૈયાના જન્મોત્સવની ગોકુળ આઠમે ભવ્ય ઉજવણી કરાય છે તેમ પાટણ શહેર તેમજ જિલ્લામાં ગુરુવારે ગામે ગામ હર્ષોલ્લાસભેર મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે. ધર્મપ્રેમી જનતા કૃષ્ણ કનૈયામય બની જશે. સિદ્ધપુરમાં પણ ભવ્ય કાર્યક્રમો થશે. પાટણ તાલુકાના કુણઘેરમાં ભગવાન કૃષ્ણલલ્લાની ભવ્ય પાલખીયાત્રા યોજાશે.
પાટણ શહેરમાં હિંગળાચાચરમાં રાધાકૃષ્ણ મંદિર, રોકડિયા ગેટે જગદીશ મંદિર, શારદા સિનેમા વિસ્તારમાં ગીરધારી મંદિર, બાલકૃષ્ણ મંદિર, વિટ્ઠલ મંદિર, દ્વારકાધીશજી, હવેલી મંદિર, ન્úસિંહજી મંદિર, રામજી મંદિર, દત્ત મંદિર, મહાલક્ષ્મી માતાજી મંદિર એમ વિવિધ સ્થળોએ આવેલા મંદિરોમાં ભવ્ય ઉત્સવો આંગી થશે.
જેમાં વૈષ્ણવ મંદિરોમાં અન્નકૂટ અને હિંડોળા દર્શન થાય છે. શહેરમાં વસતા પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના મંદિરો અને પરિવારો કૃષ્ણ ભક્તિમાં ભાવતદ્રુપ થઇ જશે. શહેરમાં દરેક મહોલ્લા-સોસાયટીમાં મટકીફોડ કાર્યક્રમો કરવામાં આવે છે. બજારમાં પણ જન્માષ્ટમીનો આનંદ છલકાતો જોવા મળશે.
સિદ્ધપુર, ચાણસ્મા, હારિજ, સમી, રાધનપુર, સાંતલપુર, વારાહી, વાગડોદ તેમજ અન્ય વિસ્તારોમાં પણ ‘હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલકી ’ના નાદથી સમગ્ર માહોલ ગૂંજી ઉઠશે.