પાટણમાં એચઆઇવી એઇડ્સના દર્દીઓને જરૂરી ટેસ્ટિંગ અને સારવાર, દવા માટે મહેસાણા કે પાલનપુર જવું પડતુ હતું. ત્યારે હવે પાટણ સિવિલ હોસ્પિટલના જ પ્રસૂતિગૃહ સંકુલમાં R ત્રણ લાખના ખર્ચે અધ્યતન એઇડ્સ સારવાર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે. જેથી એઇડ્સના દર્દીઓને પાટણમાં જ સારવાર મળી રહેશે.
પાટણ ખાતે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ન્યુદિલ્હીના પ્રોગ્રામ હેઠળ પાટણમાં એન્ટીરીટ્રોવાઇરલ ટ્રીટમેન્ટ સેન્ટર (એઆરટી) માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં પ્રસૂતિ ગૃહ સેન્ટર સંકુલમાં મકાનને રીનોવેટ કરીને એઇડ્સ સારવાર કેન્દ્ર બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે પહોંચી છે.
સેન્ટરમાં સિનિયર મેડિકલ ઓફિસર, કાઉન્સિલર, સ્ટાફનર્સ, ડેટામેનેજર, ફાર્માસિસ્ટ, લેબટેકનિશિયન અને કોમ્યુનિટી કેર કો-ઓર્ડિનેટરની ભરતી કરવા માટે ગુરુવારે સિવિલ હોસ્પિટલમાં મુખ્ય તબીબી અધિકારી એ.એસ. પરમારની ઉપસ્થિતિમાં ઉમેદવારોના ઇન્ટરવ્યૂ યોજાયા હતા.
જેમાં ૧૧ માસના કરાર આધારિત જગ્યા માટે લાયકાત ધરાવતાં ઉમેદવારોનો સિવિલ સંકુલમાં જમાવડો થયો હતો અને ઉમેદવારોની લેખિત કસોટી લેવાઇ હતી. જેમાં કેર કો.ઓર્ડિનેટરની જગ્યા માટે પહેલા એચઆઇવીના ઉમેદવારોને અગ્રીમતા અપાશે તેવું સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. ઇન્ટરવ્યૂના પગલે અગાઉથી જ ભલામણ લાગવગના પ્રયાસો થયાનું સિવિલ હોસ્પિટલમાં ચર્ચાઇ રહ્યું હતું.