૪૮ ટકા સુધીનો મહેકમ ખર્ચ ધરાવતી નગરપાલિકાઓના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપી શકશે તેમ બુધવારે રાજ્ય સરકારે નિર્ણય જાહેર કરતાં મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી. જ્યારે આ કર્મચારીઓના સમૂહે ફટાકડા ફોડી આ નિર્ણયને આવકાર્યો હતો. બીજી બાજુ પાલિકા નિયામક દ્વારા મંજુરી પત્ર મળ્યે કર્મચારીઓને એરિયર્સ ચૂકવવાની તૈયારી મહેસાણા પાલિકા પ્રમુખે બતાવી છે.
કેન્દ્ર સરકાર અને ત્યારબાદ રાજ્ય સરકારના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મળ્યાને મહિનાઓ વિતી ગયા હોવા છતાં નગરપાલિકાઓના કર્મચારીઓને આ લાભ મળતો ન હોઈ જેને લઈને ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ (સૂચિત)એ છઠ્ઠા પગાર પંચની માંગણી સાથે આંદોલન છેડ્યું હતું.
દરમિયાન કર્મચારી એસોસિયેશન, શહેરી વિકાસ મંત્રી તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓએ ત્રણથી પણ વધુ બેઠકો કરીને આ પ્રશ્નની વિશેષ ચર્ચા-વિચારણાને અંતે રાજ્ય સરકારે તમામ નગરપાલિકાઓના કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવવામાં સરળતા કરી આપવાનો મહત્વકાંક્ષી નિર્ણય લીધો હોવાનું અને નગરપાલિકાઓમાં હવે ૪૮ ટકા સુધી મહેકમ ખર્ચ ધરાવતી તમામ નગરપાલિકાઓ પોતાના કર્મચારીઓને છઠ્ઠા પગારપંચનો લાભ આપી શકશે તેવો નિર્ણય શહેરી વિકાસમંત્રી નિતીનભાઈ પટેલે બુધવારે જાહેર કર્યો હતો.
આ પગાર પંચના નિર્ણયના સમાચાર મળતાં મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓએ ફટાકડા ફોડીને સરકારના આ નિર્ણયને આવકારીને આનંદ વ્યક્ત કર્યો હતો. કર્મચારી અગ્રણીઓએ લાંબા સમયની માંગણીના આ પ્રશ્ન માટે મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી તેમજ ગુજરાત નગરપાલિકા પરિષદના ચેરમેન પોપટલાલ પટેલ સહિતના પ્રયાસોને આવકાર્યા હતા.