પાટણમાં જન્મજાત કે જન્મપછી ખેંચ ઉપડતાં દર્દથી પિડાતા અને મંદબુદ્ધિના બાળકોની સારવાર માટે શનિવારે જનતા હોસ્પિટલમાં યોજાયેલ નિ:શુલ્ક શિબિરમાં જિલ્લાના ૧૦૦ જેટલા બાળ દર્દીઓએ લાભ લીધો હતો. બાળકનો વિકાસ નોર્મલ હોય તો સરળતાથી ખેંચ નિવારી શકાય છે તેમ બાળકોની સારવાર કરતાં અમદાવાદના મહિલા ચાઇલ્ડ ન્યૂરોલોજિસ્ટ ડૉ. દર્શના નાયકે જણાવ્યું હતું.
શહેરની હોસ્પિટલમાં યોજાયેલ ખેંચ નિવારણ શિબિરમાં ખેંચની તકલીફ અનુભવતાં બાળકોને લઇને તેમની માતાઓ શિબિરમાં દોડી આવી હતી. જ્યાં ચાઇલ્ડ ન્યૂરોલોજિસ્ટ અને હોસ્પિટલ ટીમ દ્વારા બાળ દર્દીઓની ખેંચની સ્થિતિ અને તેના કારણો અન્વયે તબીબી રિપોર્ટ કાઢવામાં આવ્યા હતા અને મેડીસીન ટ્રીટમેન્ટ સાથે બાળ દર્દીઓને તબીબે સૂચવેલ કસરત પ્રોટોકોલમાં સામેલ કરવામાં આવ્યા હતા. પાંચ જેટલા મંદબુદ્ધિના બાળકોએ પણ સારવાર કેમ્પનો લાભ લીધો હતો. ડૉ. જીગર પટેલે જણાવ્યું હતું કે, ન્યૂરોલોજિસ્ટની મેડીસીન ટ્રીટમેન્ટ અનુસાર બાળ દર્દીઓને જરૂરી કસરત ઉપચારની સુવિધા અહીંયા હોસ્પિટલમાં કરાવવામાં આવે છે.
ચાઇલ્ડ ન્યૂરોલોજિસ્ટ ડૉ. દર્શના નાયકે જણાવ્યું હતું કે, જન્મ પછી બાળક રડતુ ન હોય, ઇન્ફ્રેકશન થયું હોય, વારસાગત કે વાતાવરણની ઇન્ફ્રેકશન અસરથી બાળકને ખેંચ આવી શકે છે. આ સ્થિતિ ન થાય તે માટે બાળકના પોષણની કાળજી રાખવી જોઇએ અને ઇન્ફ્રેકશનથી દૂર રાખવું જોઇએ. બાળકનો વિકાસ નોર્મલ હોય તો ખેંચ સો ટકા મળી શકે છે. ખેંચ આવે એટલે તરત એક પડખે સુવડાવવું જોઇએ અને વધુ ખેંચ હોય તો તરત તબીબ પાસે જવું જોઇએ. ખેંચમાં ડુંગરી, ચમ્પલના ઉપાયો ક્યારેક જોખમ બની શકે છે તેમ જણાવાયું હતું.