સરપંચની ચૂંટણીમાં મત ન આપવાની અદાવત રાખી નવ શખ્સોએ એક પરિવાર પર હુમલો કર્યો હતો હિંમતનગરની ત્રીજી ફાસ્ટટ્રેક કોર્ટનો ચુકાદો: હુમલા અને પથ્થરમારામાં છ વ્યક્તિને ઇજાઓ થઇ હતી
તલોદ તાલુકાના સોનીસર ગામે આશરે એક વર્ષ અગાઉ નવ શખ્સોએ ચૂંટણીની અદાવત રાખી એક પરિવાર પર હુમલો કરતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જે અંગે નવ શખ્સો વિરૂધ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
જે કેસ હિંમતનગરની ફાસ્ટટ્રેક કોર્ટ નં. ૩માં ચાલી જતાં કોર્ટે તમામ નવ આરોપીઓને હત્યાના ગુનામાં તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તેમજ R ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ અંગેની વિગત એવી છેકે, તલોદ તાલુકાના સોનીસર ગામે સરપંચની ચૂંટણી આશરે એક વર્ષ અગાઉ યોજાઇ હતી. દરમિયાન તા. ૧૬-૧૦-૦૯ના રોજ ગામના અનોપસિંહ હીરસિંહ ઝાલા તથા તેમના કુટુંબીજનો સાંજના સમયે પૂજાવિધિ કર્યા બાદ નજીકના વીજળીના થાંભલા પાસે બેઠા હતા. તે સમયે આશરે ૮-૩૦ વાગ્યાના અરસામાં ગામના ચોકમાં માંડવળીમાં ગરબા ચાલી રહ્યા હતા.
રાત્રે આશરે ૧૦-૩૦ કલાકે ગામના સરદારસિંહ ગુલાબસિંહ ઝાલા, દશરથસિંહ બાપુસિંહ ઝાલા, બચુસિંહ બળવંતસિંહ ઝાલા અને ભારતસિંહ રણજીતસિંહ ઝાલા, અજીતસિંહ ફકીરસિંહ ઝાલા તેમજ જીતેન્દ્રસિંહ ચંપુસિંહ ઝાલા, રાજેન્દ્રરસિંહ દાનસિંહ ઝાલા ઉપરાંત દેવુસિંહ ડાહ્યાસિંહ ઝાલા અને હેમેન્દ્રસિંહ મણુસિંહ ઝાલા એક સંપ થઇને અનોપસિંહ પાસે ધસી આવ્યા હતા.
ગ્રામ પંચાયતના સરપંચની થોડા સમય અગાઉ થયેલી ચૂંટણી બાબતે અદાવત રાખી આ શખ્સોએ અનોપસિંહના પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ સરદારસિંહ ગુલાબસિંહ ઝાલાએ તેમના હાથમાંની લાકડી ચેહરસિંહ દેવુસિંહ ઝાલાના માથે ફટકારી હતી. જેથી ચેહરસિંહ નું મોત થવાની સાથે છ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા.
આ બનાવ અંગે અનોપસિંહ ઝાલાએ તલોદ પોલીસ સ્ટેશનમાં નવ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. આ કેસ હિંમતનગરની ફાસ્ટટ્રેક કોર્ટ નંબર ત્રણમાં ન્યાયાધશિ કે.ડી.પરમાર સમક્ષ ચાલ્યો હતો.
જેમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ દિલીપ એમ. બારોટે દલીલો રજુ કરી હતી. કોર્ટે પુરાવા, એફએસએલ રિપોર્ટ, મેડિકલ એવીડન્સ તેમજ દલીલોને ધ્યાને લઇ તમામ નવ આરોપીને આજીવન કેદની સજા અને દરેક આરોપીને R ત્રણ હજારનો દંડ ફટકાર્યો હતો.