હત્યા માટે સોપારી અપાઇ હતી :સવાલાના અઝરૂદીને તેના મિત્રના માધ્યમથી સોપારી લીધી હતી
આઇ.ટી.આઇ. ચાર રસ્તા પાસે પાનપાર્લર ઉપર બેઠેલયુવક ઉપર ૩ નવેમ્બરે ફાયરિંગ કરવાના ચકચારી કેસમાં યુવકની હત્યા માટે સોપારી અપાઇ હોવાનું બહાર આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ કેસમાં સવાલાના અઝરૂદ્દીન ખોખર નામના યુવકની ધરપકડ કરતાં આ ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે . વિસનગર જેવા વિસ્તારમાં હત્યા માટે સોપારી આપવાના આ બનાવે પોલીસતંત્રને પણ હચમચાવી
મુકર્યું છે.
વિસનગર આઇ.ટી.આઇ. ચાર રસ્તા ઉપર આવેલ લલિત પાર્લરના માલિક લલિત પટેલ ઉપર ગત ૩જી નવેમ્બરે બાઇક ઉપર આવેલા અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં મોબાઇલ ડીટેલ્સનેઆધારે પોલીસને કોઇ માહિતી ન મળતાં ડી.વાય.એસ.પી. બરંડા અને પી.આઇ. એસ.વી. સગરના માર્ગદર્શનથી તપાસ અધિકારીએ બાતમીદારોની મદદ લીધી હતી જ્યાં આ બનાવમાં ૧૩ દિવસ પછી પોલીસે ફાયરિંગ પ્રકરણમાં ધરપકડ કરી છે. અઝરૂદ્દીન અલ્લાઉદીન નામના ૨૩ વર્ષીય યુવકે લલિતની હત્યા માટે સોપારી લીધી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે.
આ કેસની તપાસ કરનાર પી.એસ.આઇ. એ.જી.અગ્રવાલે જણાવ્યું હતું કે અઝરૂદીન અલ્લાઉદીન ખોખર નામના યુવકે વિસનગર રહેતા તેના મિત્રને કોઇ પાર્ટીએ સોપારી આપી આ હત્યા કરવાનું જણાવ્યું હોવાનું બહાર આવવા પામ્યું છે.
સોપારી આપનાર કોણ ?
ચકચારી પ્રકરણમાં લલિતની હત્યા માટે કોને અને કેમ સોપારી આપી તેનું રહસ્ય હજુ પણ ખુલ્યુ નથી. બીજી તરફ અઝરૂદીને આ ડીલ તેના એક મિત્રની મદદથી કરી હતી. જેથી પોલીસે આ ડીલ કરનાર વિસનગરના શખ્સની તપાસ હાથ ધરી છે.
ડ્રાઈવિંગનો વ્યવસાય મૂકી રિવોલ્વર પકડી
ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અઝરૂદીન ઉપર પોલીસ ચોપડે કોઇ ગુનો નોંધાયેલ નથી. અલબત્ત અનડીટેકટ ગુનામાં અઝરૂદીનની સંડોવણી છે કે નહી તેની પોલીસ તપાસ કરી રહી છે.