હિંમતનગરમાં ઉ.મા.શિક્ષક સંઘનું શૈક્ષણિક અધિવેશન અને પરિસંવાદ યોજાયો
આજના ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે માટે દેશમાં સૌપ્રથમ ઇન્ડીયન ટીચર્સ યુનિવર્સિટીની સ્થાપના કરાઇ છે. જેનાથી માત્ર રાજ્યમાંજ નહીં પરંતુ દેશના ઘડતર માટેની એક શિક્ષકોની નવી કેડર ઉભી થશે તેમ રાજ્યના શિક્ષણ મંત્રીએ શનિવારે હિંમતનગરમાં યોજાયેલા શૈક્ષણિક અધિવેશન પ્રસંગે જણાવ્યું હતું. આ બેઠકમાં શિક્ષકોને લગતા ૨૮ પ્રશ્નોની ચર્ચા પણ કરાઇ હતી.
જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને જિ. ઉ.મા. શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે શનિવારે હિંમતનગરના ટાઉનહોલમાં શૈક્ષણિક અધિવેશન તથા પરિસંવાદ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ પંકજભાઇ પટેલે શિક્ષકોને પડતી મુશ્કેલી તથા વણઉકલ્યા ૨૮ પ્રશ્નોની ચર્ચા કરી હતી.
આ અંગે સંઘના જિલ્લા પ્રમુખ ભરતભાઇ પટેલે જણાવ્યું હતું કે, ૯-૨૦-૩૧નો લાભ ઉ.મા. શિક્ષકોને હજુ મળ્યો નથી. શિક્ષક નિવૃત્ત થાય એટલે ૩૦૦ રજાનો ઇજાફો મળતો હતો, પરંતુ હવે ૧૫૦ રજાનો ઇજાફો મળે છે. વિદ્યાસહાયકોને પાંચના બદલે બે-ત્રણ વર્ષમાં કાયમી કરવા અંગે, શિક્ષકોને શિક્ષણ સિવાયની કેટલીક વધારાની જવાબદારી અપાતી હોઇ તેની માઠી અસર શિક્ષણ પર પડતી હોવાના મામલે શિક્ષણમંત્રીને રજૂઆત કરાઇ હતી.
આ પ્રસંગે ૧૫૦ જેટલા નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરાયું હતું. સંગઠનને વધુ મજબુત બનાવવાના ભાગરૂપે શિક્ષકોના ફોન નંબર સાથેની ડિરેક્ટરી બહાર પાડવાનો નિર્ણય લેવાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા શિક્ષણાધિકારી જયોતિબેન સોલંકી, જિ. શિ. સમિતિના ચેરમેન શાન્તાબેન પટેલ, ઉ.મા. શિક્ષક સંઘના પ્રમુખ ભરતભાઇ પટેલ અને મંત્રી રમણભાઇ એસ. પટેલ સહિતે જહેમત ઉઠાવી હતી.