કાંકરેજ તાલુકામાંથી નર્મદા નહેરમાંથી પાણી માટેની પાઇપલાઇનનું કામ શરૂ : R ૩૦૦ કરોડનો પ્રોજેક્ટ
બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ગામો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં આગામી દિવસોમાં રૂ.૩૦૦ કરોડના ખર્ચે પાઇપ લાઇન મારફતે પાણી નાંખવાનું સરકારનું આયોજન છે. જેથી કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી દાંતીવાડા જળાશય સુધી પાઇપ લાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. આ કામગીરી પૂર્ણ થતાં ખેડૂતોને સિંચાઇ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જેથી પાલનપુરના ધારાસભ્યએ આ યોજના માટે વિધાનસભામાં સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા.
જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો દાંતીવાડા, મુક્તેશ્વર અને સીપુ અનેક ગામો માટે જીવાદોરી સમાન છે. આ જળાશયોમાં નર્મદાના નીર નાખવા માટે લોકોની વર્ષોની માંગ હતી. જે પૈકી દાંતીવાડા જળાશયમાં પાઇપલાઇન મારફતે નર્મદાનું પાણી નાંખવાનું ગુજરાત સરકારનું આયોજન છે. જેના ભાગરૂપે રૂ.૩૦૦ કરોડના ખર્ચે કાંકરેજ તાલુકામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાંથી દાંતીવાડા સુધી પાણી પહોંચાડવા માટે પાઇપલાઇનનું કામ પણ શરૂ કરી દેવાયું છે. જેના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અનેક ગામોને ફાયદો થશે.
આ અંગે વિધાનસભાના બજેટ સત્રમાં પાલનપુરના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમજ સરકાર દ્વારા સિંચાઇના પાણી માટે થઇ રહેલી કામગીરીને બિરદાવી હતી. તેઓએ વિધાનસભામાં જણાવ્યું હતું કે, ‘સરકારે છેલ્લા દાયકામાં લગભગ ૧.૪૨ લાખથી વધુ ચેકડેમો બનાવી વિક્રમ સર્જ્યો છે. આ વર્ષે પણ સરકારે મોટા ચેકડેમો બનાવી આશરે ૭૦૦ કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેમાં ૩૦૦ થી વધુ ચેકડેમો પૂર્ણ થયા છે અને આશરે ૨૯૮ ચેકડેમો ટેન્ડર પ્રોસેસમાં હોવાનું ઉમેર્યું હતું.
ડેમમાં ૩૯૩.૬૧૬ મીલીયન ઘનમીટર પાણી સંગ્રહ શક્તિ ...
જિલ્લાના દાંતીવાડા, મુક્તેશ્વર, સીપુ, આમ ત્રણ જળાશયો પૈકી દાંતીવાડા સૌથી મોટો ડેમ છે. આ ડેમમાં ૩૯૩.૬૧૬ મીલીયન ઘનમીટર પાણીના સંગ્રહ કરવાની ક્ષમતા હોવાનું ડેમના અધિકારી એસ.જે.મકવાણાએ જણાવ્યું હતું.
બનાસકાંઠા અને પાટણના ૧૧૦ ગામોને ફાયદો...
દાંતીવાડા ડેમમાં નીકળતી કેનાલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ૩, પાલનપુર તાલુકાના ૧૯, ડીસા તાલુકાના ૩૧ અને કાંકરેજ તાલુકાના ૮ ગામોને સિંચાઇનો લાભ મળશે. જ્યારે પાટણ જિલ્લાના ૪૬ અને સિધ્ધપુર તાલુકાના ૩ ગામોને લાભ મળશે. આમ બે જિલ્લાના કુલ ૧૧૦ ગામોની ૪૫,૮૨૩ હેકટર જમીનને સિંચાઇનો લાભ મળશે. જી.એચ.પટેલ- ના.કા.ઇ., દાંતીવાડા જળાશય