અંબાજીમાં ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું ૪૬મું અધિવેશન યોજાયું : રાજ્યભરમાંથી ૩૫૦૦ આચાર્યો ઉપસ્થિત રહ્યા
‘રાજ્યની આવતીકાલને ઘડવા માટે સારસ્વતો ટેકનોસેવી બને. જેના થકી શિક્ષણમાં પરિવર્તન આવશે. તેમજ દેશની યુવાશક્તિને કૌશલ્ય અને હુન્નરથી જોડવી પડશે. કૌશલ્ય સાથે યુવાન જોડાશે તો વેલ્યુએડશિન આવશે’ તેમ અંબાજી ખાતે શુક્રવારે યોજાયેલા રાજ્યના આચાર્ય સંઘના ૪૬મા અધિવેશનમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. નોંધપાત્ર છે કે, અધિવેશનમાં રાજ્યભરમાંથી ૩૫૦૦ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ શિક્ષણમાં ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ ઉપર ભાર મૂક્યો હતો અને યુવાનોમાં પડેલા કૌશલ્યોને બહાર લાવવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ‘જ્યારે જ્યારે માનવજાતે જ્ઞાનયુગમાં પ્રવેશ કર્યો છે. ત્યારે ભારત સર્વોપરી રહ્યું છે. ૨૧મી સદી જ્ઞાનની સદી છે. દેશમાં યુવાશક્તિનો મહત્તમ ઉપયોગ ટેક્નોલોજી સાથે કરવાથી વિકાસ થઇ શકે છે તેમ જણાવીને યુવાનોમાં શક્તિનો ભંડાર છે. અને તેમને સબળ બનાવવાનું માધ્યમ જ્ઞાનશક્તિ છે. જેમાં દેશને મહાન બનાવવા માટે સૌના પ્રયાસો એક દિશાના હોવા જોઇએ.
આ પ્રસંગે ઉપસ્થિત રાજ્યના શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૨૦૦ આચાર્યોની ખાલી પડેલી જગ્યાની ભરતી માટેની પ્રક્રિયા પ્રગતિમાં છે. તેમજ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૩૨૦૦ વર્ગો શરૂ કર્યા છે.’ આચાર્ય સંઘના પ્રમુખ દિનેશભાઇ ચૌધરી અને મહામંત્રી અરવિંદભાઇ પટેલે રાજ્યના કર્મચારીઓ સાથે આચાર્યોને છટ્ટું પગારપંચ આપવા, વર્ગખંડ અને મહેકમના પ્રશ્નો ઉકેલવા તેમજ મોંઘવારીના સમયમાં નવી ગ્રાંટ નીતિ જાહેર માંગણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીને આચાર્ય સંઘ દ્વારા R ૧,૧૧,૧૧૧ નો ચેક કન્યા કેળવણી નિધિમાં અર્પણ કરાયો હતો. તેમજ ‘સંભારણું’ સ્મરણિકાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરાયું હતું. અધિવેશન ત્રણ દિવસ ચાલનાર છે.
મુખ્યમંત્રીએ પૂજન-અર્ચન કર્યા
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના વાર્ષિક અધિવેશનના ઉદ્દઘાટન અવસરે યાત્રાધામ અંબાજી પધાર્યા હતા. તે પૂર્વે તેમણે આધ્યશક્તિની આરાધના કરી હતી. મંદિર પરિસરમાં મુખ્યમંત્રીને ટેમ્પલ કમિટીના અધ્યક્ષ -વ- કલેક્ટર જે.બી. વોરાએ આવકાર્યા હતા.
અધિવેશનના આંગણે...
- રાજ્ય સરકાર દ્વારા વર્લ્ડ કલાસ ઇન્કયુબેશન સેન્ટર બનાવાશે. જેમાં બુદ્ધિ પ્રતિભાવાળા યુવકોને પ્રોત્સાહન અપાશે. જેઓ પોતાના વિચારો ઉપર સંશોધન કરી શકશે.
- રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન નામની દેશની પ્રથમ યુનિવર્સિટી શરૂ કરી છે. જેમાં ધો.૧૨ પછી પ્રવેશ મેળવીને ઉચ્ચ અભ્યાસ શરૂ કરી શકાશે. ે.