મહેસાણા સહિત જિલ્લાભરમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પર્વની ગુરૂવારે ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ઠેર ઠેર લોકમેળા અને ભજનકિર્તનો સાથે બરાબર મધરાત્રિ બારના ટકોરે દેવમંદિરો ‘નંદ ઘેર આનંદ ભયો’ તથા ‘જય રણછોડ માખણચોર’ના નાદ અને ઘંટારાવથી ગુંજી ઉઠ્યા હતા. વધુ તસવીરો માટે જુઓ પાના નં. ૮
મહેસાણાએ કર્યું માધવને ‘હેપ્પી બર્થ ડે’..
મહેસાણા : શહેરમાં કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત શહેરમાં આવેલા ગોવિંદ માધવ મંદિર, સ્વામિનારાયણ મંદિર, નાગલપુર રામજી મંદિર, ગાયત્રી શકિતપીઠ, જલારામ મંદિર સહિત દેવ મંદિરોમાં મધ્યરાત્રિએ ભકિતભર્યા માહોલમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત પરા વિસ્તારના રામજી મંદિરમાં જન્માષ્ટમીના મેળામાં મંદિરના સાંનિધ્યે ગુરૂવારે સવારથીજ માનવ સમુદાય મેળો માણવા ઉમટી પડ્યો હતો.
જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરની રાધાકૃષ્ણ ટાઉનશીપ સહિત વિવિધ સ્થળોએ મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. કૃષ્ણજન્મના સમયે નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી જેવા નાદો તથા આતશબાજીથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. તેમજ મહા આરતી, આતશબાજી, પારણા ઝુલણ, માખણ અને પંજરીના પ્રસાદની સાથે જન્મોત્સવ ઉજવ્યો હતો.
ઊંઝામાં છવાયો કૃષ્ણ જન્મોત્સવનો ઉમંગ..
ઊંઝા : ઊંઝા શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ મંદિર, ઉમિયામાતા મંદિરે, લાલ દરવાજા પાસે આવેલા કાળેશ્વર મહાદેવ સહિતના વિવિધ સ્થળોએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે કાળેશ્વર મહાદેવ, રમણવાડી પાસે સંકટમોચન હનુમાનજીના મંદિરે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં રાસ ગરબાના કર્યક્રમો યોજાયા હતા.
જ્યારે વૈજનાથ મહાદેવ ખાતે પણ લોકમેળો ભરાયો હતો.ઉનાવા ખાતે જનમાષ્મી નિમિત્તે બસ સ્ટેશન પાસે આવેલા લક્ષ્મી નારાયણ મંદિર, રામજી મંદિર અને નંદાબા વાડી પાસે આવેલા નેત્રેશ્વર મહાદેવ ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. જ્યારે મોટા મહાદેવ ચોક અને પ્રજાપતિવાસમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન હાઇવે ઉપર આવેલા જાળેશ્વર મહાદેવ ખાતે મેળો પણ ભરાયો હતો.
કાનુડાને કડીવાસીઓનાં કાલાંવાલાં..
કડી : પંથકમાં જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરાઇ હતી. શહેરના યવતેશ્વર મહાદેવમાં ફુલડોરનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે બ્રાહ્નણવાડી ખાતે આવેલ ઐતિહાસિક શિવ મંદિર પ્રાણેશ્વર મહાદેવના સાનિધ્યમાં જન્માષ્ટમીનો મોટો મેળો ભરાયો હતો. જેમાં લોકો મહાદેવજીના દર્શન કરી મેળાની મોજ માણી હતી. શહેરના સોમેશ્વર મહાદેવ ખાતે પણ કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે રાસગરબા અને મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો.
અહીંની રાજવૈભવ સોસાયટી ખાતે પણ બાળમંડળ દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. આ ઉપરાંત લક્ષ્મીનારાયણ રામજી મંદિર, ગંજ બજાર સ્વામિનારાયણ મંદિર, ભાઉપુરા ગીતામંદિર, થોળ રોડ ઉપર આવેલ અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ મંદિર સહિત વિવિધ મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો અને જય રણછોડ માખણ ચોરના નાદો સાથે આ પર્વની ઉજવણી કરાઇ હતી.