સંગીત સામ્રાજ્ઞી બેલડી તાનારીરીના નામ અંગે યોગ્ય સંશોધન થાય તો ઘણા તથ્યો બહાર આવે
વડનગરની સંગીત સામ્રાજ્ઞી બેલડી તાનારીરીના નામનો મામલો આજે ચર્ચાસ્પદ બન્યો છે. હિન્દુ સંસ્કૃતિમાં ઉચ્ચ વર્ણના નાગરોમાં કન્યાઓના નામ તાના રીરીને બદલે તારામતી, લીલામતી હોવાના મત સાથે અગ્રણીઓ આ મામલે જો યોગ્ય સંશોધન થાય તો ઘણા રોચક તથ્યો બહાર આવે એમ હોવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે.
મહેસાણા અસાઇત રંગમંચના ટ્રસ્ટી નવનીતલાલ ડી. નાયક આ અંગે જણાવે છે કે, ગુજરાતની આર્નત ધરતી ઉપર વડનગર સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું ધામ છે જેમાં અનેક કલાવિદ્ો થઇ ગયા છે. કહેવાય છે કે, આ નગરીમાં ૩૬૦ કામકી (સારંગી) અને તેના વાદકો હતા. પ્રતિ વર્ષ વડનગરમાં આવેલા તાનારીરી સ્મારકે સંગીતોત્સવ ઉજવાય છે.
અકબરના દરબારમાં તાનસેન ગવૈયાએ દીપક રાગ ગાયેલા અને તેના શરીરમાં ઉદ્પાદન થયેલા દાહને બંધ કરવા માટે વડનગરની નાગર કન્યાઓ જેને આપણે તાનારીરી નામથી સંબોધીએ છીએ તેમણે મલ્હાર રાગ ગાઇ તાનસેનના શરીરનો દાહ મીટાવ્યો હતો. આ સમગ્ર ઘટના જેતે વખતે તાનસેનના સંગીત સાથે જોડાયેલી છે.
તાતા....રીરી....રે સંગીત ગાવાના આલાપ છે. આ ઘટનાથી આ બંને બહેનોના નામ તાના રીરી તરીકે પ્રસ્થાપિત થઇ ગયેલ છે. વાસ્તવમાં હિન્દુઓમાં શ્રેષ્ઠ ગણાતી નાગર જ્ઞાતિમાં દીકરીઓના નામ તાના રીરી કદાપી હોય નહીં. પરંતુ આ જ્ઞાતિમાં પ્રચલિત નામો તારામતી, લીલાવતી મુજબના છે. જેના ટૂંકા સ્વરૂપમાં આ નામ તારા-લીલી તરીકે જોડાયેલા હોય, પરંતુ સંગીતના આલાપ તાતા...રીરી...અને તાનસેન સાથે જોડાયેલ હોઇ તાનારીરી થયેલા હોય એમ જણાય છે.
ગુજરાતના ઈતિહાસકારો અને સાહિત્યવિદો આ બાબતે યોગ્ય સંશોધન કરે રોચક તથ્યો બહાર આવશે અને ગુજરાતની અસલી અસ્મિતાની સેવા કરી ગણાશે.
યોગ્ય સંશોધન જરૂરી
વડનગરના પ્રાચીન ઈતિહાસ અંગે સંશોધન કરનાર કોલેજના પ્રિન્સપાલ ડૉ.રાઠોડ આ અંગે જણાવે છે કે, સંગીત ક્ષેત્રે મહાન બનેલા તાનારીરી નામ આજે પણ અનેક રહસ્યો સાથે સંકળાયેલ છે. સામાન્ય રીતે નાગરોમાં આવા નામ હોવા અંગે પણ અનેક મંતવ્યો છે. નાગર જ્ઞાતિના વ્યક્તિઓના નામ સામાન્ય રીતે વેદોકત તથા પુરાણોના નામ સાથે જોવા મળે છે ત્યારે આ અંગે યોગ્ય સંશોધન કરવામાં આવે એ જરૂરી છે.