મોડાસા તાલુકાના દધાલિયા ગામે માતાના વિરહમાં એક મુસ્લિમ કિશોરીએ કૂવામાં પડી જીવન ટૂંકાવી લીધું હતું. શુક્રવારે વહેલી સવારે આ અંગેની જાણ થતાં પોલીસે કિશોરીની લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
આ અંગે મોડાસા રૂરલ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર દધાલિયા ગામે અયુબભાઇ બસ્તરભાઇ લુહારની દિકરી નીલોફરબાનુ ઉ.વ.૧૭ ગામની જ સીમમાં આવેલ એક કૂવામાં ગુરુવારની રાત્રે પડી હતી. આ કિશોરીનું પાણી પી જવાને કારણે મોત નિપજ્યું હતું. આઠ માસ અગાઉ આ કિશોરીની માતા મૃત્યુ પામતા તેનો વિરહ સહન ન થતાં કિશોરીએ આ પગલું ભર્યું હતું અને કૂવામાં પડીને જીવન ટૂંકાવી લીધું હતું. રાત્રે નીલોફર ઉંઘી ગયા બાદ સવારે પથારીમાં જણાઈ ન હતી.
પરિણામે પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી દીધી હતી. દરમિયાન સીમમાં આવેલ કૂવાના કાંઠેથી બંગળી, વીંટી અને ચપ્પલ મળી આવતાં કૂવામાં તપાસ કરાઈ હતી. દરમિયાન કૂવામાંથી કિશોરીની લાશ મળી આવતાં તાબડતોબ પોલીસ મથકે જાણ કરી દેવાઈ હતી.
જેથી દધાલિયા આઉટ પોસ્ટના જમાદાર પ્રવિણસિંહ અને જસુભાઇ બનાવ સ્થળે દોડી પહોંચ્યા હતા. કિશોરીની લાશને કૂવામાંથી બહાર કાઢી મોડાસા પ્રા.આ.કેન્દ્ર ખાતે મોકલી દઈ અયુબભાઇ લુહારની ફરિયાદને પગલે પીએસઆઈ ડી.ડી.ચાવડાએ વધુ તપાસ હાથ ધરી છે.