ચિરંજીવી અને બાળસખા યોજનાનાં નાણાં તબીબોને જિલ્લા પંચાયત દ્વારા ચુકવાયાં નથી :બિલોનું ચુકવણું નહીં કરાય તો આ યોજનામાંથી હટી જવાનો નિર્ણય: રજૂઆત છતાં હકકનાં નાણાં નહીં મળતાં તબીબોએ બંને યોજનાઓ સ્થગિત કરી દીધી
ચિરંજીવી અને બાલસખા યોજનાના બિલના નાણાં હિંમતનગર તાલુકાના તબીબોને છેલ્લા એક વર્ષથી નહીં ચુકવાતા આ બંને યોજનાઓ માંદગીના બિછાને પડી ગઇ છે. ઉચ્ચકક્ષાએ તબીબો દ્વારા કરાયેલી વારંવારની રજૂઆત છતાં ગાયનેક અને બાળરોગ નિષ્ણાતોને તેમના હકના નાણાં નહીં મળતા તેમણે શુક્રવારથી ચિરંજીવી તથા બાલસખા યોજના સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બીપીએલ લાભાર્થી સગભૉ મહિલા તથા તેના નવજાત શીશુ માટે ચિરંજીવી-બાલસખા યોજના અમલમાં મુકી છે. જેમાં પ્રસુતિનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવે છે. હિંમતનગર તાલુકામાં ૧૨ સ્ત્રી રોગ નિષ્ણાત તથા બે બાળરોગ નિષ્ણાત તબીબોની હોસ્પિટલમાં આ યોજનાનો લાભ મળે છે. જોકે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ તરફથી તબીબોને નકકી થયેલા નાણાં ચૂકવવામાં આવતા હોય છે.
પરંતુ કેટલાક તબીબોને ડિસેમ્બર-૨૦૧૦થી તો અમુક ડોક્ટરોને એપ્રિલ-૨૦૧૧થી આ બંને યોજનાના બિલોનું ચુકવણુ સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા તરફથી કરાયું નથી.
જેને લઇને તબીબોમાં અસંતોષની લાગણી પ્રસરી છે. આ અંગે તબીબોએ જણાવ્યું હતું કે, ચિરંજીવી-બાલસખા યોજનાના બાકી નીકળતા નાણાં મેળવવા અમે ઘણી વખત બ્લોક કચેરી, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી છે.છતાં આજદિન સુધી પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. આ બાકી નીકળતી રકમ રૂપિયા ૫૨ લાખથી વધુની છે. તબીબોના મત મુજબ આ રકમ નહીં મળવાથી ઇન્કમટેક્સ સહિત અન્ય નાણાકીય બાબતોમાં તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દરમિયાન આ બંને યોજના અંતર્ગત આવતા હિંમતનગર તાલુકાના ગાયનેક-બાળરોગ નિષ્ણાતોએ ડીડીઓને આવેદનપત્ર પણ આપ્યું છે. જેમાં જણાવ્યુ હતું કે, તા. ૧૦, ૧૮ અને તા. ૩૧ જાન્યુઆરીના રોજ ગાયનેક એસોસિએશનની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, તા. ૯ ફેબ્રુઆરી સુધીમાં જો બાકી બિલોનું ચુકવણું નહીં કરવામાં આવે તો આ બધા તબીબો સામુહિક સંમતિથી હંગામી ધોરણે તા. ૧૦ ફેબ્રુઆરીથી ચિરંજીવી-બાલસખા યોજનામાંથી હટી જશે એટલેકે આ હોસ્પિટલોમાં બીપીએલ લાભાર્થીઓને લાભ મળશે નહીં.
જિલ્લા વિકાસ અધિકારી શું કહે છે ?
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી રવિકુમાર અરોરાએ જણાવ્યુ હતું કે હિંમતનગર શહેરના તબીબોના ચિરંજીવ યોજના તથા બાલસખા યોજનાના બિલો માંગ્યા હોવા અંગેની રજૂઆત મળી છે. વહીવટી કારણોસર બિલો ચુકવવાના બાકી હોવાનું માલુમ પડયુ છે. જે અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓને તાકીદ કરી હિંમતનગર તાલુકાના તમામ તબીબોના બાકી રહેલા નાણાં ચુકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આરોગ્ય અધિકારી શું કહે છે ?
જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જયંત કનોરીયાએ એક ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે ૫૨ લાખથી વધુના બિલોનું ચુકવણુ બાકી છે. સપ્ટેમ્બર માસ સુધીના બિલોની ચકાસણી કરી પેમેન્ટ ચુકવવામાં આવ્યું છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધીના બિલો બ્લોક હેલ્થ કચેરીમાંથી મળી આવ્યા છે. જેની ચકાસણી કરી આગામી બે દિવસમાં તમામ તબીબોના બિલોનું ચુકવણુ કરવામાં આવશે.