આંગણવાડી કેન્દ્રો પર ભૂલકાંઓને આરોગ્ય, શિક્ષણ તેમજ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવે છે. ત્યારે બાળકો માટે પોષણક્ષમ આહાર બનાવવા ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત મોડાસા તાલુકામાં આવેલ ૨૨૫ કેન્દ્રો પર તંત્ર દ્વારા ગેસ કનેકશનની ફાળવણી કરી દેવામાં આવી છે.
બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ શિક્ષણ સાથે આરોગ્યની સેવા મળી રહે તે માટે સરકાર કટીબધ્ધ છે. અનેક યોજનાઓ થકી બાળકોને વિવિધ લાભ આપવામાં આવી રહ્યા છે. ત્યારે આંગણવાડીના બાળકોને સમયસર અને યોગ્ય પોષણક્ષમ આહાર નિયમિત મળી રહે તે માટે કેન્દ્રો પર ગેસ કનેકશન ફાળવવાની શરૂઆત કરી છે. મોડાસા તાલુકામાં આવેલ ૨૨૫ આંગણવાડી કેન્દ્રો પર પણ યોજના અંતર્ગત ગેસ કનેકશન ફાળવવામાં આવ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી રવિકુમાર અરોરાની સૂચનાઓને પગલે દરેક આંગણવાડી કેન્દ્રો પર બે ગેસ સિલીન્ડર, સઘડી અને પાઈપનું વિતરણ શરૂ કરી દેવાયું છે. આ અંગે મોડાસા સીડીપીઓ જયાબેન પટેલે જણાવ્યું હતું કે, તાલુકાના ૨૨૫ કેન્દ્રો પૈકી ૧૬૨ આંગણવાડી કેન્દ્રો પર કનેકશન આપી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના કનેકશન આ માસના અંત સુધી આપી દેવામાં આવશે. તાલુકામાં આવેલ આંગણવાડી કેન્દ્રો પર છ હજારથી વધુ બાળકોને આ યોજનાનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, આંગણવાડી કેન્દ્રો ના કર્મચારીઓના પગાર વધારા બાદ ગેસ કનેકશન ફાળવવામાં આવતાં આનંદ છવાયો છે.