ગ્રામજનોએ ટ્રકચાલકે આપેલા નંબર પર તપાસ કરતાં ભાંડો ફૂટ્યો : ઉચ્ચ પોલીસ અધિકારીના નામે નદીની રેતીનું વહન કરાતું હતું : ટ્રકચાલકને પ્રાંતજિ મામલતદાર સમક્ષ રજૂ કરાયો
સાબરકાંઠા જિલ્લાના સીતવાડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીના પટમાંથી રેતીનું ગેરકાયદે વહન કરતી એક ટ્રકને ગ્રામજનોએ શનિવારે પકડી પાડી હતી. દરમિયાન ટ્રકના ચાલકે રેતી લઇ જવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચના હોવાનું જણાવતાં ચોંકી ઉઠેલા ગ્રામજનોએ તપાસ કરતા આખું કૌભાંડ બહાર આવ્યું હતું. જેથી ગ્રામજનોએ રેતી ભરેલી ટ્રક અને ચાલકને પ્રાંતજિ મામલતદાર કચેરીમાં ઢસડી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે સીતવાડા પાસે સાબરમતી નદીમાંથી રેતી કાઢવા માટેનો પરવાનો થોડા સમય અગાઉ અપાયા બાદ સીતવાડાના ગ્રામજનો ટ્રકોની સતત અવરજવરને કારણે ઘરમાં રહી પણ શકતા ન હતા. સતત દોડતી ટ્રકોથી રોડ પરના ઘરોમાં માટીના થર જામી જાય છે. અગાઉ પણ ખનિજનું વહન કરતા ગેરકાયદે ટ્રકોને પકડી પાડ્યા હતા. જેથી આખો મામલો મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો હતો.
દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી સીતવાડા ગામના રોડે થઇને રાત-દિવસ ૭૦થી વધુ ટ્રકોમાં રેતીનું ગેરકાયદે વહન થઇ રહ્યું હોવાને કારણે ગ્રામજનો પરેશાન થઇ ગયા હતા. શનિવારે સવારે ગામના સરપંચ મિલકતસિંહ રાઠોડ, પંચાયતના સદસ્ય ભારતસિંહ રાઠોડ અને ધૂળસિંહ મકવાણા સહિત ગ્રામજનોએ ભેગા મળી નદીમાંથી રેતી ભરીને આવતી ટ્રક નંબર જીજે૯એક્સ-૯૦૩૯ને પકડી પાડી હતી.તેના ચાલક રાજુ ખરાડીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાથી રેતી લઇ જવાઇ રહી છે. તેમ કહી મોબાઇલ નંબર આપ્યો હતો. જેથી ગ્રામજનોએ તે નંબર પર વાત કરી હતી. વાત કરનાર રઘુનાથસિંહ (રહે. રાજસ્થાન) હોવાનું બહાર આવ્યુ હતું. ત્યારબાદ ગ્રામજનોએ ભેગા મળી રેતી ભરેલી ટ્રક અને ચાલકને પ્રાંતજિ મામલતદાર કચેરીમાં ઢસડી ગયા હતા. જ્યાં રેતીનું વજન કરાયુ હતું. જેમાં નિયમ કરતા વધુ જથ્થો હોવાનું બહાર આવ્યુ હતું. ત્યાર બાદ તલાટી પાસે પંચનામુ પણ કરાયુ હતું.
ગ્રામજનોની માંગણી છે કે સીતવાડાના રોડ પર થઇને પસાર થતાં વાહનો માટે રસ્તાનો વિકલ્પ શોધવો જોઇએ તેમજ ગેરકાયદે રેતીનું વહન કરતા ટ્રક પર તાડપત્રી ઢાંકવાને બદલે ખુલ્લી ટ્રક લઇ જાય છે તે અંગે પણ પગલાં લઇ ગ્રામજનોને અવાજ અને વાયુના પ્રદુષણમાંથી મુકત કરવા જોઇએ.
ગામના સરપંચ શું કહે છે ?
સીતવાડાના રોડ પર થઇને સતત પસાર થતી રેતી ભરેલી ટ્રકોને કારણે ખાસ કરીને મહિલાઓ ખુબ જ પરેશાન છે. રોડ પરથી ઉડતી ધૂળ ઘરમાં પડતી હોવાને કારણે આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે એમ ગામના સરપંચ મિલકતસિંહ રાઠોડ તથા ગ્રામજનોએ જણાવી ત્રાસમાંથી મુકત કરવા માટે વહીવટી તંત્રને અનુરોધ કર્યો છે.
પ્રતિબંધ છતાં રાજ્ય બહાર મોકલાય છે
સાબરમતી નદીની રેતીની માંગ રાજસ્થાન અને દક્ષિણના રાજ્યોમાં માંગ વધુ રહેતી હોવાને કારણે કેટલાક ઇજારદારો પોતાની આમદાની વધારવા રેતીને રાજ્ય બહાર મોકલે છે. સરકારના નિયમ મુજબ સાબરમતી નદીની રેતીનું અન્ય રાજ્યમાં મોકલવા સામે પ્રતિબંધ હોવા છતાં હજુ પણ મોકલાય છે. જો તે અંગે વિજિલન્સ દ્વારા તપાસ કરાવવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેમ છે.
મામલતદાર શું કહે છે ?
આ અંગે મામલતદાર અંબાલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટ્રકની આરસી બુક ડ્રાઇવર પાસે માગી હતી. પરંતુ તે ન હોવાને કારણે ફરીથી રજુ કરવા માટે જણાવાયું છે. ત્યાર બાદ નિયમ કરતાં વધુ વજન ભરેલુ હશે તો તેની સામે નિયમ મુજબ કાર્યવાહી કરાશે. તંત્ર દ્વારા પકડાયેલી ટ્રકના ચાલક પાસે રોયલ્ટી પાસની માંગણી કરી હતી પરંતુ રોયલ્ટી પાસ હતો જ નહીં.