જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી : મુદત પૂર્ણ થતાં બંને સમિતિમાં સભ્યોની પુન: પસંદગી કરાઇ : ઉત્પાદન,સહકાર અને સિંચાઇ સમિતિમાં બે સભ્યોમાં ફેરફાર
જિલ્લા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે ગુરૂવારે બપોરે યોજાયેલી સામાન્ય સભામાં મુદત પૂર્ણ થતાં ઉત્પાદન, સહકાર અને સિંચાઇ તથા મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિની પુન: રચના કરાઇ હતી. જેમાં મહિલા સમિતિમાં સભ્યો યથાવત રખાયા હતા, જ્યારે સહકાર સમિતિમાં બે સભ્યોમાં ફેરફાર કરાયો હતો.
ભાજપ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ જયંતિભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી સમિતિ, જિલ્લા શિક્ષણ સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ સહિત વિવિધ સમિતિઓની અગાઉની બેઠકોમાં લેવાયેલ નિર્ણયોની ચર્ચા કરાઇ હતી. ત્યાર બાદ ઉત્પાદન સહકાર અને સિંચાઇ તથા મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિઓની એક વર્ષની મુદત પૂર્ણ થતાં પુન: રચના કરવામાં આવી હતી.
જેમાં મહિલા, બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓની સમિતિના વર્તમાન સભ્યો દક્ષાબેન હરિભાઇ પટેલ, લક્ષ્મીબેન અનારજી ઠાકોર, ભારતીબેન પ્રહલાદભાઇ પ્રજાપતિ, વીણાબેન દિલીપકુમાર પટેલ તથા લીલાબેન ભીખાભાઇ પટેલના નામની પટેલ રાજીબેન બાબુભાઇએ દરખાસ્ત મુકતાં પટેલ અરૂણાબેને ટેકો આપતાં સવૉનુમતે પસંદગી કરાઇ હતી. જ્યારે પાંચ સભ્યોની ઉત્પાદન અને સહકાર સમિતિમાં વર્તમાન સભ્યો પૈકી બે સભ્યોમાં ફેરફાર કરાયા હતા. દિલીપસિંહ અને નારાયણભાઇ ચૌધરીના સ્થાને મનુભાઇ પટેલ તથા મનોજભાઇ પટેલની પસંદગી કરવામાં આવી હતી. જ્યારે ભગવાનભાઇ ચૌધરી, લીલાબેન ભીખાભાઇ પટેલ તથા અરૂણાબેન પટેલને યથાવત રાખવામાં આવ્યા હતા.
ચેરમેનપદનું રહસ્ય અકબંધ
ઉત્પાદન,સહકાર અને સિંચાઇ તથા મહિલા બાળ વિકાસ સમિતિની પુન: રચના કરવામાં આવી છે. જેમાં બે સભ્યોના ફેરફારને બાદ કરતાં અન્ય સભ્યોને ચાલુ રખાયા છે. પરંતુ ચેરમેનનો તાજ કોના શીરે રાખવો એ મુદ્દે રહસ્ય અકબંધ રહ્યું છે. આગામી દિવસોમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે એવું સુત્રોએ જણાવ્યું હતું.
મેઉ ગ્રામ પંચાયતનું વિભાજન !
મેઉ ગ્રામ પંચાયત દ્વારા આવેલી દરખાસ્તને બહાલ રાખતાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મેઉ ગ્રામ પંચાયતમાંથી બાજુના બદલપુરાને અલગથી ગ્રામ પંચાયતનો દરજજો આપવા લીલી ઝંડી આપી હતી. જિલ્લા પંચાયત દ્વારા આ અંગે દરખાસ્ત તૈયાર કરી સરકારમાં મોકલવામાં આવશે.