સમરસ થવા તરફ આગળ વધી રહેલી મહેસાણા ડિસ્ટિ્રકટ બેંકની ચૂંટણીમાં ૧૫ બેઠકો માટે ભરાયેલા ૨૯ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. શુક્રવારે આ ફોર્મની ચકાસણી હાથ ધરાતાં આ તમામે તમામ ફોર્મ માન્ય ઠર્યા છે. ઉલ્લેખનિય છે કે, ૭મીથી ૧૦મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે.
બેંકના આગામી બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં સેવા સહકારી મંડળી વિભાગની ૧૦ બેઠકો માટે ૨૧, ઔધ્યોગિક મંડળીઓના વિભાગની એક બેઠક માટે ૨, ઇતર મંડળીઓના વિભાગની એક બેઠક માટે ૨ તથા વ્યક્તિ સભાસદની ત્રણ બેઠકો માટે ૪ મળી કુલ ૨૯ ફોર્મ ભરાયા હતા. ચૂંટણી અધિકારી એવા પ્રાંત અધિકારીની કચેરી ખાતે શુક્રવારે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા કરાઇ હતી. જેમાં આ તમામે ફોર્મ માન્ય ઠર્યા હોવાનું કચેરી સુત્રોએ જણાવ્યું હતું.
તો બીજી તરફ ડિસ્ટ્રિક્ટ બેંકમાં ફરી એકવાર વર્તમાન ચેરમેન નટવરલાલ પી. પટેલનો દબદબો યથાવત રહે એવા સંજોગ પ્રબળ બની રહ્યા છે. ૧૫ બેઠકો પૈકી ૧૦ બેઠકો પ્રાથમિક તબક્કે બિન હરીફ બની છે ત્યારે બાકી રહેલી પ બેઠકો પર પણ ઉમેદવારી પરત ખેંચવાની સમય મર્યાદામાં હરીફ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પરત ખેંચી લેવાની શક્યતાઓને પગલે સમગ્ર ચૂંટણી સમરસ ભણી આગળ વધી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ એટલે કે ૧૦મી ફેબ્રુઆરીએ સમગ્ર ચિત્ર સ્પષ્ટ બનશે.