બસ માઉન્ટઆબુથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે મોડી રાત્રે સર્જાયેલો ગમખ્વાર અકસ્માત સર્જાયો
ઇડર-ખેડબ્રહ્મા માર્ગ પર માથાસુર નજીક શનિવારની મોડીરાત્રે રાજસ્થાન તરફથી આવતી લકઝરી બસ અચાનક નદીમાં ખાબકતાં પલટી ખાઇ ગઇ હતી. ગોઝારા આ અકસ્માતમાં સાત જણાના ઘટના સ્થળેજ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે બસના ૩૯ મુસાફરો ઘાયલ થયા હતા. જીવલેણ અકસ્માતના બનાવની જાણ તંત્રને થતાં પોલીસ અને વહીવટીતંત્રએ ઘટના સ્થળે ધસી જઇ ઘાયલોને સારવાર અપાવવા સાથે બચાવ કામગીરીમાં જોતરાઇ ગયા હતા. આ અંગે લકઝરી બસના ચાલક વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઇ છે.
અમદાવાદના ગુજરાત ટ્રાવેલ્સની લકઝરી બસ નંબર જીજે૧૮યુ-૯૫૫૪ શનિવારની રાત્રે માઉન્ટ આબુથી અમદાવાદ તરફ જઇ રહી હતી. આશરે ૫૦થી પણ વધુ મુસાફરો ભરેલી આ બસ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ઇડરના માથાસુર નજીક પહોંચે તે પહેલાંજ ચાલકે અચાનક બસ પરનો કાબુ ગુમાવી દેતાં બસ રોડથી ૫૦ ફૂટ નીચે વેકરી નદીમાં ખાબકી પલટી ખાઇ ગઇ હતી.આ ભયાનક અને જીવલેણ અકસ્માતમાં ઉંઘતા મુસાફરો પૈકી સાતના ઘટના સ્થળેજ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે ૩૯ મુસાફરો ઘવાયા હતા.
અડધી રાત્રે બસને અકસ્માત નડતાં મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયુ હતું. કોઇએ પોલીસને જાણ કરતાં ઇડર પીએસઆઇ એસ.એન.ચૌધરી, વડાલી પીએસઆઇ ઉદાવત પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યારે પ્રાંત અધિકારી ડી.એલ.પરમાર તથા મામલતદાર એ.ડી.ગોસ્વામી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇમરજન્સી ૧૦૮, સિવિલની એમ્બ્યુલન્સ ઉપરાંત ઇડર અને હિંમતનગરની ફાયરટીમો અને લોકોની મદદ લઇ રાત્રિના અંધકારમાં બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ઘાયલોને ઇડર સિવિલમાં તથા વડાલી અને ખેડબ્રહ્મા ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
ઇડર સિવિલના તબીબ ડૉ. ગજેન્દ્રસિંહ ગઢવીના જણાવ્યા મુજબ ૨૭ ઘાયલ મુસાફરોને સારવાર અપાઇ હતી. જે પૈકી ૧૪ને ફેકચર તથા માથાના ભાગે ઇજાઓ હોઇ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા. જ્યારે ત્રણ મહિલાઓ, બે પુરૂષ અને એક છ માસના બાળક સહિત છ મુસાફરોના મૃતદેહ જ આવ્યા હતા. ગંભીર ઈજાગ્રસ્ત નવને વડાલી બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર ખસેડાયા હતા. જ્યારે ખેડબ્રહ્મામાં ત્રણ પૈકી એકનું મોત થતાં મૃત્યુ આંક સાત થયો હતો. જ્યારે સમગ્ર ઘટનાનો જવાબદાર બસચાલક તથા ખલાસી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે ઇડર પોલીસે ફરાર બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે લોકોના ટોળેટોળા સમાચારના પગલે પુલ ઉપર એકઠા થવા લાગ્યા હતા.
કમનસીબ મૃતકો
પ્રેમીલાબેન તુલસીભાઇ મકવાણા (ઉ.વ.૪૨, વાડજ, અમદાવાદ)
બિપીનભાઇ મણીલાલ વાઘેલા (ઉ.વ.૪૬, બહેરામપુરા, અમદાવાદ)
જીજ્ઞાબેન પ્રણવભાઇ મહેતા (ઉ.વ.૨૬, રાજકોટ)
ઘૈર્ય ગણેશભાઇ અશોકભાઇ કોળવે (ઉ. ૬ માસ, સુરત)
ડૉ. એમ.વી.રાઘવેન્દ્ર રાવ (ઉ.વ.૫૪, બેંગ્લોર)
રીપલબેન મેહુલભાઇ ઘોડાસરા (ઉ.વ.૨૮, જામખંભાળીયા)
દિપકભાઇ રાજે (ઉ.વ.૪૫, પૂના)
ઇડર સિવિલ અડધી રાત્રે દર્દીઓથી ઉભરાયું
અકસ્માતના પગલે ૨૭ ઘાયલોને ઇડર સિવિલમાં સારવાર અર્થે મોકલી અપાતાં ડૉ. ગઢવી, ડૉ. મેમણ તથા તેમની ટીમે સારવાર આપી હતી. જ્યારે ઘાયલ દર્દીઓના સંબંધીઓને સમાચાર પહોંચાડતા સવાર પડતાં પહેલાંજ તેમના સંબંધીઓ આવી પહોંચ્યા હતા.
વહીવટી તંત્ર પણ ખડેપગે
આ ઘટનામાં ઇડરના નાયબ કલેક્ટર તથા મામલતદારે પણ રૂબરૂ હાજર રહી ઘાયલોને સારવાર અર્થે પહોંચાડયા હતા. તો ઇડર અને માથાસુરના લોકોએ પણ ખડેપગે રહી સેવા કરી હતી. વધુ કોઇ બસ નીચે દટાયેલ હોવાની સંભાવનાના પગલે રાત્રેજ ક્રેઇનની મદદથી બસ ઉભી કરવામાં આવી હતી.
અઢી વર્ષના બાળકે માની છત્ર છાયા ગુમાવી
રાજકોટના એક યુવાનની પત્નીનું મોત થતાં આ વાસ્તવિકતા સ્વીકારવા મન તૈયાર જ ન હોઇ તેને કારમો આઘાત લાગ્યો હતો. જોકે સમય જતાં તબીબી સારવાર અને પરિવારજનો આવી પહોંચતા સહારો મળતાં તે શાંત થયો હતો. જ્યારે ખંભાળીયાના અઢી વર્ષના પ્રિન્સુએ માતા ખોઇ હતી.
Top News
Interesting News
Most Read